અમરેલીના સલડી ગામે જૂની અદાવતમાં પંદરેક લોકોના ટોળાનો એક જ પરિવાર પર જીવલેણ હુમલો…

ગ્રામ પંચાયતની ચૂંટણીની દાઝ રાખીને લોખંડના પાઇપ અને બેટથી હુમલો, ત્રણને ગંભીર ઈજા
અમરેલી: જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામે જૂની ગ્રામ પંચાયતની ચૂંટણીની દાઝ રાખીને ૧૫ જેટલા શખસના ટોળાએ જીવલેણ હથિયારો સાથે આવી એક જ પરિવારના પાંચ સભ્યો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પિતા-પુત્ર સહિત અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર સુરતમાં રહી ખેતી કરતા અને મૂળ સલડી ગામના વતની ભુપતભાઈ જીવાભાઈ રામાણી (ઉ.વ. ૫૫)એ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આ ઘટનાનું મૂળ કારણ જૂની ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો, જેમાં સામેની પેનલ હારી ગઈ હતી. મતગણતરીના દિવસે પણ તેમના કૌટુંબિક ભત્રીજા પ્રજ્ઞેશભાઈ રમેશભાઈ રામાણીને માર મારવામાં આવ્યો હતો, જે અંગે અગાઉ લીલીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી.

મંગળવારે રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં તેમના કૌટુંબિક ભત્રીજા પ્રજ્ઞેશભાઈ રામાણી ગામના જગદીશભાઈ ડેર, ચંદુભાઈ ડેર અને હરેશભાઈ ડેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે લીલીયા પોલીસ સ્ટેશન જતા હતા અને તેમની સાથે ભુપતભાઈનો મોટો દીકરો અંકિત પણ જતો હતો.
આ વાતની જાણ થતાં આરોપીઓએ જૂની દાઝ રાખીને ભુપતભાઈના પરિવાર પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું અને દિવાળીની રાતે ૧૦ વાગ્યે ભુપતભાઈ તેમના મિત્રો સાથે ગામની આઈસ્ક્રીમની દુકાન બહાર બેઠા હતા, ત્યારે તેમના ભત્રીજાના દીકરા અક્ષિલ રામાણી, કેવલ રામાણી અને ચેતન રામાણી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે આરોપી પાર્થ અશોકભાઈ ડેરે તેમને ગાળો આપી અને કેવલની ગળાપટ્ટી પકડી લીધી.
અચાનક અલ્પેશ ગોવિંદભાઈ ડેર, મહેશ ગોવિંદભાઈ ડેર, રણજીત મેહુરભાઈ ડેર અને મિલન જગુભાઈ ડેર સહિતના ટોળાએ લોખંડના પાઇપ, લાકડાના બેટ જેવા હથિયારોથી હુમલો કર્યો હતો. થોડી જ વારમાં મનુભાઈ ડેર, જીતુભાઈ ડેર, ધર્મેશ ભેડા, લલિત ડેર, પિન્ટુ ડેર, રમેશ ડેર, જગદીશ ડેર, ચંદુભાઈ ડેર, હરેશ ડેર, પરેશ ભૂપતભાઈ અને પરેશ રાવતભાઈ સહિત કુલ ૧૫ થી વધુ લોકો લાકડી, પાઇપ અને ધોકા જેવા જીવલેણ હથિયારો સાથે આવી ગયા હતા.
તસ્કરોએ ત્રણેય યુવાનોને માર મારતા કૌટુંબિક ભત્રીજા રમેશભાઈ રામાણી, કનુભાઈ રામાણી અને હર્ષદ માંદળિયા તેમને છોડાવવા વચ્ચે પડ્યા. આ દરમિયાન ભુપતભાઈ પોતે વચ્ચે પડતા અલ્પેશ ગોવિંદભાઈ ડેરે તેમના માથામાં બેટનો એક ઘા મારી દીધો, જેનાથી લોહી નીકળવા લાગ્યું અને તેમને છ ટાંકા આવ્યા હતા. વળી ભવદીપ દિલીપભાઈ ડેરે કાચની બોટલ લાવીને અક્ષિલ રામાણીને ડાબી આંખ પાસે અને જડબાના ભાગે મારતા તેને કુલ ૮ ટાંકાની ગંભીર ઈજા થઈ હતી. હુમલાખોરોએ તમામ ઈજાગ્રસ્તોને જીવતા નહીં મૂકવાનાની ધમકી આપી હતી.
હુમલામાં ભુપતભાઈ રામાણીને માથામાં ૬ ટાંકા, અક્ષિલ રામાણીને જડબા અને આંખ પાસે ૮ ટાંકા ઉપરાંત રમેશભાઈ, કનુભાઈ અને હર્ષદભાઈને પણ શરીરે મૂંઢ ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે તમામ ૧૫ જેટલા આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને જીવલેણ હુમલા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો…UPDATE: અમરેલીમાં યુવતી પર હુમલો કરનારા બે ઝડપાયા, રાજકીય આગેવાનોએ પીડિતા સાથે કરી મુલાકાત