અમરેલી જિલ્લામાં સરેરાશ 25 ઇંચથી વધુ વરસાદઃ છેલ્લા ચાર દિવસના વરસાદથી કપાસ-મગફળીના પાકને નુકસાનની ભીતિ | મુંબઈ સમાચાર
અમરેલી

અમરેલી જિલ્લામાં સરેરાશ 25 ઇંચથી વધુ વરસાદઃ છેલ્લા ચાર દિવસના વરસાદથી કપાસ-મગફળીના પાકને નુકસાનની ભીતિ

અમરેલીઃ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વડિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે રોડ-રસ્તા અને શેરીઓમાં પાણી ભરાયા હતા, જેનાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, પરિણામે સ્થાનિકોની સાથે ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.

આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી હતી. ધરતીપુત્રો કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોને નુકસાન થવાની ભીતિથી ચિંતિત છે.જો પાકને નુકસાન થશે તો તેની સીધી અસર દિવાળી જેવા તહેવારો પર પડશે તેવી શક્યતા ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

સરેરાશ વરસાદ 25 ઇંચને પાર

અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજા મહેરબાન થયા હતા. ચોમાસાની શરૂઆત જ સારી રહી હતી અને ત્યારબાદ પણ ખેડૂતો માટે માગ્યા મેઘ વરસ્યા હતા અને હવે ચોમાસાના અંત ભાગમાં પણ ખેતી માટે જોઈએ તેવો પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાના 11 તાલુકામાં સરેરાશ વરસાદ 25 ઇંચને પાર થઈ ગયો હતો. જિલ્લામાં સરેરાશ દરેક તાલુકામાં 631 મીમી વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો: ખેલૈયાઓનું તો માત્ર એક નોરતું બગડ્યું, પણ ખેડૂતોનું તો વરસાદે કર્યું પારાવાર નુકસાન

અમરેલી જિલ્લામાં સિઝનનો 100 ટકા કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. હાલમાં અમરેલી જિલ્લામાં 11 તાલુકામાં સરેરાશ 25 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે. જિલ્લામાં દરેક તાલુકામાં સરેરાશ 631 મીમી વરસાદ પડ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વડીયા તાલુકામાં થયો છે. અહીં 964 મીમી એટલે કે 36.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ધારી તાલુકામાં 436 મીમી એટલે કે 17.5 ઇંચ વરસાદ થયો છે.

જિલ્લામાં સૌથી વધુ વરસાદમાં રાજુલા તાલુકાનો પણ સમાવેશ થાય છે. રાજુલા તાલુકામાં અત્યાર સુધીમાં 32 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. આવી જ રીતે બાબરા તાલુકામાં 29.5 ઇંચ વરસાદ થયો છે. જ્યારે સાવરકુંડલા તાલુકામાં 28 ઇંચ વરસાદ પડ્યો છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button