મગફળીનો પણ રાહત પેકેજમાં સમાવેશ કરવા સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે માંગ કરી

અમરેલીઃ ગત વર્ષે પડેલા વરસાદથી થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે બે દિવસ પહેલા સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ સહાય પેકેજમાં અમરેલી સહિત છ જિલ્લાનો સમાવેશ થતો હતો. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. તેમણે ઓક્ટોબર 2024માં થયેલા ભારે વરસાદથી મગફળીના પાકને થયેલા નુકસાન અંગે રજૂઆત કરી હતી.
દુધાતના જણાવ્યા મુજબ, જિલ્લામાં કપાસ અને મગફળી બંને પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. ભારે વરસાદને કારણે મગફળીના પાથરા પાણીમાં પલળી ગયા હતા. મોટાભાગના પાથરા તણાઈ જવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
મગફળીના પાકને થયેલા નુકસાનનો પણ સર્વેમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. તેમણે કૃષિ રાહત પેકેજમાં મગફળી ઉત્પાદક ખેડૂતોને યોગ્ય સહાય આપવાની માંગ કરી હતી.
પ્રતાપ દુધાત 2017ની વિધાનસભા ચૂંટણીમાં સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય તરીકે કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા.2022 માં પણ સાવરકુંડલાથી ચૂંટણી લડી હતી પરંતુ ભાજપના મહેશ કસવાલા સામે તેમની હાર થઈ હતી.