અમરેલી

હવે ગાયો માટે પણ IVF આશીર્વાદ: અમરેલીમાં રાજ્યના પ્રથમ ‘ટેસ્ટ ટ્યુબ વાછરડા’નો જન્મ!

અમરેલી: સંતાન નહિ હોવાનું દુઃખ વેઠતા માવતરો માટે IVF (In Vitro Fertilization) ખૂબ જ ઉપયોગી છે. IVF એ એક આધુનિક તબીબી પ્રક્રિયા છે જે એવા યુગલોને બાળક પ્રાપ્ત કરવામાં મદદ કરે છે જેઓ કુદરતી રીતે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હોય. ગુજરાતીમાં આ પ્રક્રિયાને ઘણીવાર ‘ટેસ્ટ ટ્યુબ બેબી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે હવે આ આધુનિક તબીબી પ્રક્રિયા માત્ર માણસો માટે નહીં પણ પશુઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે.

ગુજરાતના પશુપાલન અને ડેરી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમરેલી ખાતે ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ (GLDB) ની એમ્બ્રીયો ટ્રાન્સફર લેબોરેટરીમાં રાજ્યમાં પ્રથમ વખત અદ્યતન ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) પદ્ધતિ દ્વારા ગીર વાછરડાનો સફળતાપૂર્વક જન્મ થયો છે. રાજ્યના પશુપાલકોને સંવર્ધનની આધુનિક ટેકનોલોજીનો લાભ મળે તે હેતુથી, ગીર ગાયોના મૂળ પ્રદેશ ગણાતા અમરેલીમાં આ અત્યાધુનિક લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી હતી.

પશુપાલન પ્રધાન જીતુ વાઘાણીએ આ સફળતા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ના ટેકનિકલ સહયોગથી અમરેલીની વરુડી લેબોરેટરીમાં ગયા વર્ષથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં ૧૩ પશુઓમાં ગર્ભારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રયોગના પરિણામ સ્વરૂપે, તાજેતરમાં એક કાંકરેજ ઓલાદની સરોગેટ ગાય દ્વારા શુદ્ધ ગીર વાછરડાનો જન્મ થયો છે. આ વાછરડાનો ગર્ભ ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતી ગીર ગાયમાંથી લેવામાં આવ્યો હતો, જેથી નવજાત વાછરડું પણ તેટલા જ ઉચ્ચ ગુણો ધરાવે છે.

આ સફળતાથી ઉત્સાહિત થઈને પશુપાલન વિભાગ હવે આગામી સમયમાં અમરેલી લેબોરેટરી ખાતે વધુ ૩૦ પશુઓમાં એમ્બ્રીયો ટ્રાન્સફર કરવાની યોજના બનાવી રહ્યું છે. અધિકારીઓના મતે આ પ્રયાસોથી રાજ્યમાં ગીર ગાયોના સંવર્ધનને મોટો વેગ મળશે અને શ્વેત ક્રાંતિમાં ગુજરાતનું નેતૃત્વ વધુ મજબૂત બનશે. સામાન્ય રીતે, ઉચ્ચ ગુણવત્તા ધરાવતી માદા ગાય તેના સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર સાતથી આઠ વાછરડાને જન્મ આપી શકે છે, પરંતુ IVF જેવી ટેકનોલોજીથી આ ક્ષમતામાં અનેકગણો વધારો કરી શકાય છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button