અમરેલીમાં થશે અંજીરની ખેતી, કૃષિ શિબિરમાં ખેડૂતોને આપવામાં આવ્યું માર્ગદર્શન

અમરેલી: મોટા આંકડીયા મુકામે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા અને પ્રાકૃતિક કૃષિ, ગુજરાત પ્રદેશ કન્વીનર પ્રફૂલભાઈ સેંજલીયાની પ્રેરક ઉપસ્થિતિમાં “પ્રાકૃતિક કૃષિ અને અંજીરની ખેતી” વિષય અંતર્ગત સફળ કૃષિ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં મોટા આંકડીયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ભાગ લીધો હતો. જિલ્લામાં ખેડૂતો અંજીરની ખેતી કરતા થાય તે માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આપણ વાંચો: વિશેષ: અંજીરની ખેતી છે ફાયદાકારક
વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ શું કહ્યું
પ્રાકૃતિક કૃષિ અન્વયે આયોજિત માહિતી માર્ગદર્શન શિબિરમાં પ્રાકૃતિક કૃષિથી તૈયાર થયેલ અંજીરના પાકનું નિદર્શન કરવામાં આવ્યું હતું. અંજીરના પાક માટે ખેતીની પદ્ધતિ અને પ્રોસેસીંગ પ્રક્રિયા વિષયક ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી. દર વર્ષે વાતાવરણીય બદલાવો આવી રહ્યા છે. વરસાદની પેટર્ન વિશેષ પ્રકારે બદલાઈ રહી છે.
ગ્લોબલ વોર્મિંગની અસરો કૃષિ પાકો પર પણ વર્તાઈ રહી છે. જાણીતા વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામી દ્વારા પ્રાકૃતિક કૃષિમાં વાવેતર હેઠળના વિવિધ પાકો ઉપર બદલાતા હવામાનની વિવિધ અસરો અંગે ખેડૂતોને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક કૃષિ, ગુજરાત પ્રદેશ કન્વીન પ્રફૂલભાઈ સેંજલીયાએ જણાવ્યું કે, ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ એ સમયની પ્રમુખ માંગ છે. જમીનની ફળદ્રુપતા સતત ઘટી રહી છે. ઝેરમુક્ત કૃષિ થકી જ માનવીય આરોગ્ય પરનો ખતરામાંથી બચી શકાય છે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું હતું.
અમરેલીના ખેડૂતો હવે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. જિલ્લાના અનેક ખેડૂતો ધાન્ય પાકો, કઠોળ પાકો અને બાગાયતી પાકોની કૃષિ હવે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ મુજબ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગાયના ગોબર, ગૌમૂત્ર, ગોળ, બેસન, વૃક્ષના નીચેની માટીમાંથી તૈયાર થયેલ ઘન જીવામૃત, દશપર્ણી અર્ક સહિતનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી.