ધારીના દાનબાપુની જગ્યાના મહંત પર તલવારથી જીવલેણ હુમલો

ધારી: અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા ગઢીયા વિરપુર સ્થિત સુપ્રસિદ્ધ દાનબાપુની જગ્યાના મહંત હરસદ બાપુ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી હતી. મહંતે જણાવ્યું કે તેમના પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ‘દાન મહારાજની જગ્યા છોડી દેજે’ કહીને ચાર શખ્સો નાસી છૂટયા હતા.
હુમલામાં મહંત હરસદ બાપુના માથાના ભાગે અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા બાદ તેમને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ધારીની હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, મહંત પર કોણે અને કયા કારણોસર હુમલો કર્યો તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી મળી નહોતી. પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે અને આ ઘટનાનો ભેદ હવે પોલીસ તપાસ બાદ જ ઉકેલાશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાત પર તુલસીશ્યામ નજીક હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રતાપ દૂધાત તુલસીશ્યામ નજીકથી પસાર થઈ રહ્યા ત્યારે દુધાળા ગામ નજીક અજાણ્યા શખ્સો દ્વારા તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ડ્રાઇવરની સમય સૂચકતાથી તેઓનો આબાદ બચાવ થયો હતો. ત્યારે અમરેલી જિલ્લામાં જ હુમલાની વધુ એક ઘટનાએ પોલીસની ઢીલી નીતિ સામે પ્રશ્ન ઊભા કર્યા છે.
આ પણ વાંચો…ગોધરા પોલીસ સ્ટેશન પર હુમલો કરનારા 21ની ધરપકડ, પોલીસે સરઘસ કાઢી પાઠ ભણાવ્યો…