સાવરકુંડલા-મહુવા રોડ પર ગંભીર અકસ્માત, એકનું મોત, ચાર ઘાયલ…

સાવરકુંડલા: અમરેલી જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો હતો. સાવરકુંડલા-મહુવા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ફોર-વ્હીલ કારે ( GJ-14-6279) બે બાઇક સવારોને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મળતી વિગત પ્રમાણે, ફોર વ્હીલ કારે ઝડપથી આવીને બે બાઇક સવારોને ટક્કર મારી હતી. જેના કારણે બાઇક સવારો રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત બાદ કાર રોડની બાજુમાં ખાડામાં ઉતરી ગઈ હતી. કાર ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. મૃતકનું નામ મૃતક: વનીતાબેન ચીમનલાલ જોશી (રહે. બાઢડા, તા. સાવરકુંડલા) હોવાનું જાણવા મળ્યું હતું.
અકસ્માત બાદ તાત્કાલિક બે 108 એમ્બ્યુલન્સ અને સાવરકુંડલા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ચારેય ઘાયલોની ગંભીર હાલતને ધ્યાને લઈ તેમને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા હતા.
સાવરકુંડલા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ શરૂ કરી હતી. આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આપણ વાંચો : ગુજરાતમાં ફરી બની પ્લેન ક્રેશની ઘટનાઃ અમરેલીના રહેણાક વિસ્તારમાં પડ્યં પ્લેન