ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશન અટકી ગયું: ઈ-સમૃદ્ધિ પોર્ટલ ડાઉન થતા અમરેલીના ખેડૂતો પરેશાન

અમરેલીઃ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઇન નોંધણી 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. નોંધણી શરૂ થયાના પ્રથમ દિવસે એક સાથે ખેડૂતો દ્વારા રજિસ્ટ્રેશન થવાથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ટ્રાફિક વધી જવાના કારણે પોર્ટલ ક્રેશ થયું હતું, જેથી ખેડૂતોની પ્રથમ દિવસે નોંધણી થઈ શકી ન હતી.
પોર્ટલ બે દિવસથી છે ડાઉન
મળતી વિગત પ્રમાણે અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ખેત-પેદાશોના વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવવા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકારે વર્ષ 2025-26 માટે મગફળી, સોયાબીન, મગ અને અડદના ટેકાના ભાવે રજિસ્ટ્રેશન માટે 1થી 15 સપ્ટેમ્બર દરમિયાન ઈ-સમૃદ્ધિ પોર્ટલ શરુ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આ પોર્ટલ બે દિવસથી સતત ડાઉન હોવાના કારણે ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકતા નથી.
રજિસ્ટ્રેશન માટે ખેડૂતોએ વહેલી સવારથી જ લાઇન લગાવી
અમરેલી જિલ્લામાં અનેક ગ્રામ પંચાયત કચેરી ખાતે રજિસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોની મોટી ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા હતા, પરંતુ પોર્ટલ ચાલુ ન થતાં એક પણ ફોર્મ ભરાયું નહોતું. ખેડૂતો પોતાના કામ-ધંધા છોડીને રજિસ્ટ્રેશન માટે આવ્યા હતા, પરંતુ પોર્ટલ બંધ હોવાના કારણે તેઓ નિરાશ થઈને પરત ફર્યા હતા.
લાંબી કતારોમાં ઊભા રહેલા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખેડૂતો મુજબ સરકાર દ્વારા રજિસ્ટ્રેશન માટે ટૂંકો સમયગાળો આપવામાં આવ્યો છે, અને તેમાં પણ પોર્ટલ ડાઉન રહેતાં તેઓ સમયસર રજિસ્ટ્રેશન કરાવી શકશે કે કેમ તેની ચિંતા તેમને સતાવી રહી છે. આ સમસ્યાને કારણે અસંખ્ય ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા અને તંત્ર તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માગ કરી હતી.
આ પણ વાંચો…અમરેલીના ખેડૂતો માટે ખુશખબરઃ કપાસના પાક નુકસાનીની સહાય માટે આવતીકાલથી કરી શકાશે અરજી