રાજ્યમાં ડુપ્લિકેટની ભરમાર બાદ હવે તાલુકા પંચાયત પ્રમુખનું ડુપ્લિકેટ લેટરપેડ થયું વાઇરલ, જાણો વિગત
અમરેલીઃ અમરેલી જિલ્લાના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે. અમરેલી તાલુકા પંચાયત પ્રમુખનું ડુપ્લિકેટ લેટરપેડ બનાવી ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે વાયરલ થયેલા ડુપ્લિકેટ લેટરપેડમાં સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યા છે.
વાઇરલ લેટરમાં શું લખ્યું છે
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા લેટરમાં લખ્યું છે, હું હાલ અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ છું. અમરેલી તાલુકા પંચાયતનો વહીવટ વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા કરી રહ્યા છે. પહેલાં અમરેલી તાલુકાના અમુક ગામોમાં દારૂ મળતો, છેલ્લાં 2 વર્ષથી અમરેલી તાલુકાનાં 71 ગામમાં દારૂ મળે છે, એકપણ ગામ બાકી નથી. લોકોમાં ચર્ચા છે પોલીસ કૌશિકભાઈને દર મહિને ચાલીસ લાખનો હપતો આપે છે અને રેતીમાં પણ એવું જ છે. ભાજપના કાર્યકર્તાને બદલે કોંગ્રેસના કાર્યકર્તાને વધુ મહત્ત્વ આપે છે. આ પ્રકારના અનેક ગંભીર આક્ષેપો કૌશિક વેકરિયા પર લગાવવામાં આવ્યા છે.
Also read: કવિ રમેશ પારેખના લીલાછમ અમરેલીનો મહેલ, ગાયકવાડી ઈતિહાસ જાણો
કિશોર કાનપરિયાએ કહ્યું હતું, આજે સવારે મારા વ્હોટ્સએપ પર લેટરપેટ આવ્યો, જેમાં લેટરપેડ અને સાઈન ડુપ્લિકેટ બનાવી ધારાસભ્ય કૌશિકભાઈના વિરુદ્ધમાં ઘણુંબધું લખ્યું છે. કૌશિકભાઈ અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટેનું કાવતરું ઘડી આવું વાઈરલ કર્યું છે.