અમરેલી જિલ્લામાં શ્વાનનો આતંક વધ્યોઃ બાબરામાં ત્રણ વર્ષની બાળકી પર હુમલો

અમરેલીઃ જિલ્લામાં શ્વાન દ્વારા બાળકો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. બાબરા શહેરના વાંડલીયા રોડ પર એક શ્વાને ત્રણ વર્ષની બાળકીને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વાંડલીયા રોડ પર આવેલી એક વાડીમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ત્રણ વર્ષની દીકરી ફળિયામાં રમી રહી હતી, ત્યારે અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં બાળકીના મોઢાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઘટના બાદ બાળકીને તાત્કાલિક બાબરાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે તેને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો: રખડતા શ્વાનનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં: તાત્કાલિક સુનાવણીનો ઇનકાર, આશ્રયસ્થાન બનાવવા આદેશ
અગાઉ જિલ્લામાં બની આવી ઘટના
આ પહેલા પણ જસવંતગઢ ગામ નજીક એક શ્વાને બાળક પર હુમલો કર્યો હતો. જેમાં શ્વાન બાળકને દબોચીને ઢસડી રહ્યો હતો, ત્યારે તેના પિતાએ સમયસર દોડીને બાળકનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
સ્થાનિકોએ શું કરી માંગણી
અમરેલી જિલ્લામાં આવી સતત વધી રહેલી ઘટનાઓને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રસ્તાઓ અને રહેણાક વિસ્તારોમાં ભટકતા શ્વાનોના કારણે નાના બાળકો અને મહિલાઓની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. લોકોએ તંત્ર પાસે આવા ખૂંખાર શ્વાનોને તાત્કાલિક પકડીને દૂર ખસેડવાની માંગ કરી હતી.