ધારીના આંબરડી સફારી પાર્કમાં જન્માષ્ટમીએ પ્રવાસીઓનો ધસારો, 3 દિવસમાં 6500 લોકોએ લીધી મુલાકાત

અમરેલી: જન્માષ્ટમીના તહેવારો દરમિયાન અમરેલીના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી. સાતમ, આઠમ અને રવિવાર એમ ત્રણ દિવસમાં 6500થી વધુ લોકોએ આ પાર્કની મુલાકાત લીધી હતી.
સિંહ સહિત અનેક જંગલી પ્રાણીઓનું ઘર છે આંબરડી સફારી પાર્ક
આંબરડી સફારી પાર્ક સિંહ સહિત અનેક જંગલી પ્રાણીઓનું ઘર છે. આ તહેવારોમાં ખાસ કરીને અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પરિવારો, બાળકો, યુવાનો અને મહિલાઓ સફારીની મજા માણવા આવ્યા હતા.
આપણ વાંચો: રાજકોટના લોકમેળામાં જન્માષ્ટમીએ માનવ મહેરામણ ઉમટ્યું: ત્રણ દિવસમાં 8 લાખ લોકોએ મોજ માણી
પાર્કની નજીક આવેલા ખોડિયાર ડેમ અને ખોડિયાર માતાના મંદિરે પણ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પહોંચ્યા હતા. ગીરના જંગલમાં વરસાદ હોવા છતાં, પ્રવાસીઓનો ઉત્સાહ ઓછો થયો ન હતો.
સૌરાષ્ટ્રમાં ગીર બાદ આંબરડી સફારી પાર્કમાં સિંહ અને હરણ જેવા પ્રાણીઓને નજીકથી જોવાનો એક ખાસ અનુભવ મળે છે, જેના કારણે તહેવારોના દિવસોમાં અહીં પ્રવાસીઓની સંખ્યા ખૂબ વધી જાય છે.