અમરેલીના ખેડૂતો માટે ખુશખબરઃ કપાસના પાક નુકસાનીની સહાય માટે આવતીકાલથી કરી શકાશે અરજી

અમરેલીઃ ગુજરાત રાજય સરકાર દ્વારા ઓક્ટોબર ૨૦૨૪ માસમાં થયેલ ભારે વરસાદથી ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લઈ પાક નુકશાન અંગે કરવામાં વિવિધ માધ્યમથી થયેલ આકલન મુજબ રાજ્યના અમરેલી, છોટાઉદેપુર, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ એમ રાજયના ૦૬ જિલ્લા અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. આથી આ સહાય તેટલા વિસ્તાર માટે લાગુ પાડવામાં આવી હતી.
જે અંતર્ગત અમરેલી જિલ્લામાં કપાસ પાકમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકશાન માટે સહાય મળશે. અસરગ્રસ્ત ગામોમાં ફક્ત કપાસ પાકના નુકશાનગ્રસ્ત ખેડૂતોએ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે અરજી કરવાનો સમયગાળો તા.૦૨ સપ્ટેમ્બર ૨૦૨૫થી શરૂ થશે. ૧૫ દિવસ સુધી અરજી કરી શકાશે. આ અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન વી.સી.ઈ. અથવા વી.એલ.ઈ. મારફત કરી શકાશે.
આપણ વાંચો: ૨૦૨૪માં પાક નુકશાની માટે SDRFમાંથી અસરગ્રસ્ત ખેડૂતોને કેટલા કરોડની સહાય ચૂકવવામાં આવી?
ઓનલાઈન અરજી કર્યા બાદ પ્રિન્ટ મેળવી સહિ કરીને નિયત નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટી કમ મંત્રીને નુકશાનગ્રસ્ત કપાસ પાક વાવેતર વિસ્તારનો દાખલો, ગામ નમૂના નં. ૭-૧૨, આધારકાર્ડના નંબર, અને તેની નકલ, મોબાઈલ નંબર, બચત ખાતા ચાલુ હોય તે બેંક એકાઉન્ટ નંબર, આઈ.એફ.એસ.સી. કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ આપવામાં આવે તે અંગેનો સહમતિ પત્ર વગેરે સાધનિક વિગતો, કપાસ નુકશાનીના આધાર પુરાવાની નકલ હોય તો તે સાથે જોડીને સંબંધિત ગ્રામ પંચાત કે ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી વી.સી.ઈ, વી.એલ.ઈ મારફત અરજી કરવાની રહેશે.
આ સહાય પી.એફ.એમ.એસ. મારફત ડી.બી.ટી.થી ચૂકવણી કરવાની થતી હોય અરજદારે ખાસ પોતાનું બચત ખાતાની વિગતો ખાસ ચકાસણી અને ખાતરી કરીને જ અરજી કરવાની રહેશે.
આપણ વાંચો: આટલા જીલ્લામાં લીલો દુકાળ -ખેડૂતોને પાક નુકશાની સહાય પેકેજના 10 હજાર કરોડ આપો બાપલિયા, પાલ આંબલિયાનો પત્રv
આ અરજી વિના મૂલ્યે હોય અરજી કરવા માટે ખેડૂતોએ કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહી. અરજી અંતર્ગતની સહાય ખેડાણ હેઠળના ખાતાદીઠ (ગામ નમૂના નં. ૮-અ દીઠ) એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતને સહાય મળશે. તેણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમંતિપત્રક રજૂ કરવાનું રહેશે.
આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતા પર સહાય મળવાપાત્ર થશે. આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે.