અમરેલી

અમરેલીમાં સતત બીજા દિવસે મેઘ મહેર, બાબરામાં એક ઈંચ વરસાદ

અમરેલીઃ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘ મહેર થઈ હતી. બાબરામાં એક ઈંચ વરસાદ થતાં જગતનો તાત ખુશ થઈ ગયો હતો. બાબરા તાલુકામાં કેટલીક જગ્યાએ ધરતી પુત્રોએ સારા વરસાદથી વાવણી પણ કરી દીધી હતી. અમરેલીના ધારી, ખાંભા, વડીયા, સાવરકુંડલા, લાઠી, રાજુલા, ગીર પંથકો સહિતના અનેક સ્થળોએ હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં અસહ્ય ગરમી વચ્ચે હવામાન પલટાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

સાવરકુંડલામાં બજારો પાણી પાણી

સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટાયું હતું. સાવરકુંડલાના આંબરડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. 15 મિનિટના વરસાદમાં બજારો પાણી-પાણી થઈ હતી. લાઠીમાં ઘીમીઘારે વરસાદને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી હતી. જ્યારે અમરેલી જિલ્લાના રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તાર પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. આગરીયા, માંડરડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

ખાંભામાં ખેડૂતોને હાશકારો

ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં હાશકારો જોવા મળ્યો હતો. વરસાદના કારણે નાના વિસાવદર ગામની સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ હતી.

આ પણ વાંચો -‏‏‎ ગિફ્ટ સિટીમાં ઇન્ફોસિસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ, 1000 પ્રોફેશનલ્સને મળશે રોજગારી…

આવતીકાલે ક્યાં છે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રવિવારે 8 જૂનના રોજ રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 9 જૂનના રોજ અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 10થી 13 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button