બાબરાના ફૂલઝર જુથ અથડામણના સુરતમાં પડઘા; વિવાદમાં પાટીદાર નેતાઓની એન્ટ્રી, ખોટી કલમો હટાવવા અલ્ટીમેટમ

બાબરા: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફૂલજર ગામમાં બુધવારના રોજ જુથ અથડામણની ઘટના સામે આવી હતી. જેમાં એક યુવકનું મોત થયું હતું. ગામમાં નીકળેલા ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટરનું વ્હીલ અડી જવાની બાબતે અથડામણ થઈ હતી. બંને સમાજ વચ્ચે થયેલી અથડામણમાં એક યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવમાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે. બંને પક્ષોની ફરિયાદ મળીને કુલ 36થી વધારે લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ત્યારે અમરેલીના બાબરાના ફૂલજર ગામે ફુલેકામાં થયેલી જુથ અથડામણના પડઘા સુરતમાં પડ્યા છે. પાટીદાર સમાજના આગેવાનોએ ઘોડીને ટ્રેક્ટર આદી જેવી બાબતમાં થયેલા જીવલેણ હુમલાના બનાવમાં ખોટી કલમો દૂર કરવાની માંગ કરી છે અને જો આમ નહિ થાય ફૂલજર જવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આ બેઠકમાં વિજય માંગુકિયા, અલ્પેશ કથીરીયા સહિતના પાટીદાર સમાજના અનેક મોટા નેતાઓ, આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
શું છે સમગ્ર બનાવ?
પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, બાબરાના ફૂલજર ખાતે ફુલેકા દરમિયાન આરોપી સાગર રઘુભાઈ પદમાણીના ટ્રેક્ટરની ફરિયાદીની ઘોડી સાથે અથડામણ થઈ હતી. ફરિયાદીએ આ અંગે ઠપકો આપતા તેનું મનદુઃખ રાખીને આરોપી નં. ૧ થી ૨૯ સહિત આશરે ૫૦ જેટલા લોકોએ મળીને લોખંડના ધારીયા, પાઇપ, તલવારો અને લાકડીઓ જેવા હથિયારો સાથે ફરિયાદી, તેમના પિતા દેવકુભાઈ અને મોટાભાઈ નાગરાજભાઈ પર મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો.
હુમલા દરમિયાન, આરોપી જયસુખભાઈ ઉર્ફે બટુકભાઈ સાકરીયાએ ધારીયાનો ઘા ફરિયાદીના માથાના જમણી બાજુના ભાગે મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્યારે અન્ય આરોપી રમેશભાઈ પદમાણીએ લોખંડની પાઇપનો ઘા મારી ફરિયાદીના ડાબા હાથના પોચામાં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી. હુમલામાં ફરિયાદીના પિતા દેવકુભાઈને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું અને ભાઈ નાગરાજભાઈના બંને હાથના અંગૂઠામાં ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ હતી. તમામ આરોપીઓએ ફરિયાદી અને સાહેદોને આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામા પક્ષની ફરિયાદની વિગતો અનુસાર, ફુલેકામાં ઘોડી લઈને આવેલા હરદીપભાઈ દેવકુભાઈ વાળાની ઘોડીને ફરિયાદી ફરિયાદી રઘુભાઈ પદમાણીના દીકરા સાગરનું ટ્રેક્ટરનું આગળનું વ્હીલ સહેજ અડી ગયું હતું. આથી હરદીપભાઈએ ગુસ્સે થઈને સાગરને ગાળો આપીને બે-ત્રણ ઝાપટ મારી હતી. આ બનાવની વાત ફરિયાદીને થતાં, તેઓ પોતાના સંબંધીઓને લઈને હરદીપભાઈને ઠપકો આપવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં ગામના માણસુરભાઈ કંધુભાઈ વાળા પોતાની સફેદ ક્રેટા ગાડી પૂરઝડપે ચલાવીને સામેથી આવ્યા હતા અને ફરિયાદી તથા સાક્ષીઓ પર મારી નાખવાના ઇરાદે ગાડી ચડાવી દીધી હતી.
ફરિયાદી તો એકબાજુ ખસી જતાં બચી ગયા, પરંતુ તેમની સાથે રહેલા મનસુખભાઈ ભીખાભાઈ રાદડિયા અને મહેન્દ્રભાઈ મૂળજીભાઈ ગજેરા સાથે ગાડી ભટકાડતા બંને લોહીલુહાણ હાલતમાં ફંગોળાઈ ગયા હતા. આ ઉપરાંત પાછળથી મોટરસાઇકલ પર આવતા મોટા દેવળીયા ગામના મહેન્દ્રભાઈ વાળાને પણ ક્રેટા ગાડી અથડાવતા તેઓ રોડ પર પટકાયા હતા અને માથા તેમજ શરીરે ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. માણસુરભાઈ અકસ્માત સર્જી ગાડી લઈને ફરાર થઈ ગયા હતા.
ત્યારબાદ, માણસુરભાઈના સગાઓએ લાકડી, પાઇપ, અને ધારીયા જેવા પ્રાણઘાતક હથિયારો સાથે ફરિયાદી અને તેમની સાથેના ખોડાભાઈ પદમાણી, અતુલભાઈ ખોડાભાઈ, જયસુખભાઈ કુંવરજીભાઈ અને સંજયભાઈ ખોડાભાઈને આડેધડ માર મારી માથા તેમજ આખા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો…સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે હિંસક જૂથ અથડામણ, 20 લોકો ઘાયલ



