અમરેલી

અમરેલી ભાજપમાં ભંગાણ? ચલાલા નગરપાલિકામાં આંતરિક વિખવાદ બાદ પ્રમુખની વિકેટ પડી

ચલાલા: અમરેલી જિલ્લાના રાજકારણમાં નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. જિલ્લાના ચલાલા (દાન ભગત)માં ભાજપ શાસિત નગરપાલિકામાં પાલિકા પ્રમુખ નયનાબેન વાળાએ સભ્યોના ભારે વિરોધ અને અસંતોષ બાદ અંતે કલેક્ટરને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. ભાજપની સ્પષ્ટ બહુમતી અને વિપક્ષ વગરની નગરપાલિકામાં નવાજૂનીએ અમરેલી ભાજપના આંતરિક વિખવાદને પુનઃ સપાટી પર લાવી દીધો છે.

મળતી વિગતો અનુસાર, અમરેલી જિલ્લાના રાજકારણમાં અને ખાસ કરીને ભાજપના ગઢ ગણાતા ચલાલામાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાના વતન ચલાલાની ભાજપ શાસિત નગરપાલિકામાં લાંબા સમયથી ચાલતો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવ્યો છે. પાલિકાના સભ્યોના ભારે વિરોધ, અસંતોષ અને ખેંચતાણ બાદ અંતે પાલિકા પ્રમુખ નયનાબેન વાળાએ જિલ્લા કલેક્ટરને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. સત્તાવાર રીતે કૌટુંબિક કારણો આગળ ધરવામાં આવ્યા હોવા છતાં, આ રાજીનામા પાછળ પક્ષનો આંતરિક જૂથવાદ મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ચલાલા નગરપાલિકામાં તમામ 24 બેઠકો પર ભાજપનું એકહથ્થુ શાસન હોવા છતાં, છેલ્લા કેટલાક સમયથી પ્રમુખ અને સભ્યો વચ્ચે ગંભીર મતભેદો સર્જાયા હતા. વિરોધ કરી રહેલા સભ્યોનો આક્ષેપ હતો કે પ્રમુખ દ્વારા મનસ્વી રીતે વહીવટ કરવામાં આવતો હતો અને સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ નિર્ણયો લેવાતા હતા, જેના કારણે શહેરના વિકાસના કામો રૂંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે જ બહુમતી સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ મોરચો માંડ્યો હતો, જેના દબાણ હેઠળ અંતે આ રાજીનામું પડ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button