ચલાલા નગરપાલિકામાં નવા પ્રમુખની સર્વાનુમતે વરણીથી પ્રમુખપદના વિવાદનો અંત…

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમરેલી: જિલ્લાની ચલાલા નગરપાલિકામાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય વિવાદનો આખરે સુખદ અંત આવ્યો હતો. પૂર્વ પ્રમુખ નયનાબેન વાળા સામે ભાજપના જ સભ્યોની નારાજગી અને અવિશ્વાસની દરખાસ્તની સ્થિતિ વચ્ચે તેમના રાજીનામા બાદ નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ૨૪ માંથી હાજર રહેલા ૧૮ સભ્યોએ ભૂમિબેન જયરાજભાઈ વાળાના નામ પર મહોર મારતા તેઓ સર્વાનુમતે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ વરણી બાદ ધારાસભ્ય જે.વી. કાકડીયાની ઉપસ્થિતિમાં કાર્યકરોએ ફૂલહાર અને મોં મીઠા કરાવી નવા પ્રમુખને વધાવ્યા હતા.
નવનિયુક્ત પ્રમુખના પ્રતિનિધિ જયરાજ વાળાએ આ તકે પ્રદેશ ભાજપ નેતૃત્વ અને ધારાસભ્યનો આભાર માનતા જણાવ્યું હતું કે, તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસને તેઓ સાર્થક કરશે. તેમણે આગામી દિવસોમાં ચલાલા શહેરના વિકાસના અધૂરા કામો વહેલી તકે પૂર્ણ કરવાની અને તમામ ૨૪ સભ્યોને સાથે રાખીને નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સમગ્ર વિવાદની વાત કરવામાં આવે તો, થોડા દિવસો પહેલા અમરેલી જિલ્લાના રાજકારણમાં અને ખાસ કરીને ભાજપના ગઢ ગણાતા ચલાલામાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો હતો. ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાના વતન ચલાલાની ભાજપ શાસિત નગરપાલિકામાં લાંબા સમયથી ચાલતો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવ્યો હતો. પાલિકાના સભ્યોના ભારે વિરોધ, અસંતોષ અને ખેંચતાણ બાદ અંતે પાલિકા પ્રમુખ નયનાબેન વાળાએ જિલ્લા કલેક્ટરને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. સત્તાવાર રીતે કૌટુંબિક કારણો આગળ ધરવામાં આવ્યા હોવા છતાં, આ રાજીનામા પાછળ પક્ષનો આંતરિક જૂથવાદ મુખ્ય કારણ હોવાનું માનવામાં આવતું હતું.
ઉલ્લેખનીય છે કે ચલાલા નગરપાલિકામાં તમામ 24 બેઠકો પર ભાજપનું એકહથ્થુ શાસન હોવા છતાં, છેલ્લા કેટલાક સમયથી પ્રમુખ અને સભ્યો વચ્ચે ગંભીર મતભેદો સર્જાયા હતા. વિરોધ કરી રહેલા સભ્યોનો આક્ષેપ હતો કે પ્રમુખ દ્વારા મનસ્વી રીતે વહીવટ કરવામાં આવતો હતો અને સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ નિર્ણયો લેવાતા હતા, જેના કારણે શહેરના વિકાસના કામો રૂંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે જ બહુમતી સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ મોરચો માંડ્યો હતો, જેના દબાણ હેઠળ અંતે આ રાજીનામું પડ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.



