અમરેલીઃ ભાઈએ બહેનને વિધવા બનાવી, સાળાએ કુહાડીથી બનેવીના પગ કાપતાં મોત

અમરેલીઃ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સાળાએ 12 મિત્રો સાથે મળી કુહાડીના ઘા મારી બનેવીના પગ કાપી નાંખ્યા હતા. યુવકના શરીરથી અલગ થયેલા બંને પગને કોથળામાં ભરીને હોસ્પિટલ સુધી લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. બનાવના પગલે ચકચાર મચી ગઈ હતી.
શું છે મામલો
અમરેલીના અરજણસુખ ગામમાં રહેતાં ભરતભાઇ નામના સગાને ત્યાં ગોંડલના દિશેનભાઇ સોલંકી નામનો યુવક આવ્યો હતો. જ્યાં તેમના સાળા સહિત કેટલાક લોકોએ અંગત અદાવતમાં જીવલેણ હુમલો કરી કુહાડીથી પગ કાપી નાખતા દિનેશભાઇને સારવાર અર્થે અમરેલી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દિનેશભાઇનું મોત થયું હતું.
બંને પગને કોથળામાં ભરીને હોસ્પિટલ લાવવામાં આવ્યા
હુમલાખોરોએ દિનેશભાઈ સોલંકી પર કુહાડી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેના બંને પગ શરીરથી કપાઈને અલગ થઈ ગયા હતા. પીડિત યુવકને ગંભીર અને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકના શરીરથી અલગ થયેલા બંને પગને કોથળામાં ભરીને હોસ્પિટલ સુધી લાવવામાં આવ્યા હતા.
આ ગંભીર બનાવની જાણ થતાં જ ડીવાયએસપી ચીરાગ દેસાઈ સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. આ જીવલેણ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે, પ્રાથમિક તપાસમાં આ હુમલો કૌટુંબિક કારણોસર થયો હોવાનું મનાઈ રહ્યું છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને હુમલાખોરોને પકડવા અને હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી હતી.
આપણ વાંચો: આયુર્વેદિક દવા સસ્તામાં ખરીદવાની લાલચ આપે તો ચેતી જાજો, વાંચો આ કિસ્સો



