શોકનો માહોલ: રાજુલાના ધાતરવાડી ડેમમાં ડૂબેલા ચાર યુવકોના મૃતદેહ મળ્યાં; પરિવારોનું કરૂણ આક્રંદ

અમરેલીઃ જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં બે દિવસ પહેલા એક કરૂણ ઘટના બની હતી. નહાવા અને માછલી પકડવા ગયેલા ત્રણ સગાભાઈ સહિત ચાર યુવકો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. સતત ત્રણ દિવસની ભારે જહેમત અને શોધખોળ બાદ ડૂબી ગયેલા ચારેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.
બુધવારે મળ્યા હતા બે મૃતદેહ
અમરેલી ફાયર વિભાગની ટીમે બુધવારે ડૂબી ગયેલા ચાર યુવકોમાંથી મેરામ પરમાર અને પીન્ટુ વાઘેલાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જ્યારે ગુરુવારે સવારે કાના પરમાર નામના યુવકનો મૃતદેહ ઘટનાસ્થળથી આશરે પાંચ કિલોમીટર દૂર જૂની માંડવડી ગામ નજીકથી અને ચોથા યુવકનો મૃતદેહ ગુરુવારે બપોરે ઘાતરવડી ડેમ પાસેના માડરડીથી જાપોદેરના પુલ નજીકની મળી આવ્યો હતો.
ચાર યુવાનોમાંથી ત્રણ યુવકો સગા ભાઈ
ડૂબી ગયેલા ચાર યુવાનોમાંથી ત્રણ યુવકો સગા ભાઈઓ હતા, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ફાયર વિભાગની ટીમે ત્રણ મૃતદેહો શોધી કાઢ્યા હતા, જ્યારે એક મૃતદેહ શોધવામાં એનડીઆરએફની ટીમે પણ મદદ કરી હતી. આ કરૂણ બનાવને પગલે વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ, યુવકોને તરતા આવડતું હતું, જોકે પાણીમાં વમળ સર્જાયું હતું, જેને કારણે તેઓ નદીમાં પ્રવાહમાંથી બહાર નીકળી શક્યા ન હતા અને ડૂબ્યા હતા.યુવકોને બચાવવા માટે તંત્રની ટીમ સાથે ધારાસભ્ય હીરા સોલંકીએ પણ નદીમાં ડૂબકી લગાવી હતી, પરંતુ તેમના પ્રયત્નો નાકામ રહ્યા હતા.
આ પણ વાંચો…અમરેલીના રાજુલામાં 2 કલાકમાં 6.02 ઈંચ વરસાદ, પૂરના પાણીની સ્થિતિમાં પ્રસૂતા માટે JCB બન્યું ‘દેવદૂત’



