
અમરેલીઃ રાજ્યમાં દિવાળી પર પડેલા કમોસમી વરસાદથી ખેતી પાકને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે ગઈકાલે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. ખેડૂતોન પેકેજની નારાજ અમરેલી ભાજપના નેતાએ રાજીનામું આપ્યું હતું. સાવરકુંડલા ભાજપ નેતા અને પૂર્વ મહામંત્રી તેમજ APMCના ડાયરેક્ટર ચેતન માલાણીએ પાર્ટીમાંથી પોતાનું રાજીનામું આપ્યું હતું. ચેતન માલાણીએ કહ્યું છે કે, ખેડૂતો માટે સરકારે જાહેર કરેલું 10 હજાર કરોડ રૂપિયાનું પેકેજ માત્ર મજાક સમાન છે અને તે ખેડૂતોના વાસ્તવિક પ્રશ્નોનું સમાધાન નથી લાવી શકતું.

ખેડૂતોને ન્યાય મળે તે માટે અવાજ ઉઠાવતો રહીશઃ માલાણી
ચેતન માલાણીએ જણાવ્યું કે, સરકાર ખેડૂતોના દુઃખને સમજી શકતી નથી. આ 10 હજાર કરોડનું પેકેજ દેખાવ પૂરતું છે. એક વિઘા જમીન પર ખેડૂતોનો સરેરાશ ખર્ચ 15 હજાર રૂપિયાથી ઓછો નથી, તો પછી આ પેકેજ કેવી રીતે પૂરતું ગણાય? તેમણે ઉમેર્યું કે, આ માત્ર કાગળ પરના આંકડાઓની રમત છે. પાર્ટી છોડ્યા બાદ પણ ચેતન માલાણીએ સ્પષ્ટ કર્યું કે તેમની લડત હવે પણ ખેડૂતોના હિત માટે જ રહેશે. તેમણે જણાવ્યું કે, મારું ધ્યેય કોઈ રાજકીય પદ નથી, પરંતુ ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટે અવાજ ઉઠાવવાનો છે. સરકારને ખેતરની વાસ્તવિક સ્થિતિ સમજવી પડશે.
પૂર્વ સાંસદ કાછડીયાના ખાસ માનવામાં આવે છે માલાણી
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ચેતન માલાણી પર હુમલો થયો હતો. ખડસલી ગામમાં સરકારી જગ્યામાં પાણીનો પંપ બનાવવા મુદ્દે ભાજપના નેતા ચેતન માલાણી પર હુમલો થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જીવલેણ હુમલો થતા ચેતન માલાણી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્યારબાદ તાત્કાલિક તેમને સારવાર માટે અમરેલી સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પૂર્વ સાંસદ નારણ કાછડીયા સહિતના રાજકીય આગેવાનો પણ હૉસ્પિટલ દોડી ગયા હતા. ચેતન માલાણીને નારણ કાછડીયાની નજીકના નેતા પણ માનવામાં આવે છે.
આ પણ વાંચો…જાતિ વિરુદ્ધ અપશબ્દો-ધમકીની ઓડિયો ક્લિપ વાયરલ થતાં અમરેલી તાલુકા ભાજપ પ્રમુખનું પદ પરથી રાજીનામું



