પ્રતાપ દૂધાત પર હુમલાનો પ્રયાસ, સરદાર સન્માન યાત્રાથી પરત ફરતી વખતે બની ઘટના

અમરેલીઃ અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાત પર તુલસીશ્યામ નજીક હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ તેઓ પોતાની ગાડીમાં તુલસીશ્યામ નજીકથી પસાર થઈ રહ્યા ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ડ્રાઇવરની સમય સૂચકતાથી તેઓનો આબાદ બચાવ થયો હતો.
આ અંગે પ્રતાપ દૂધાતે જણાવ્યું કે, સરદાર સન્માન યાત્રા સોમનાથ ખાતે પૂરી થઈ હોય ત્યાંથી હું રાત્રિના સમયે પરત આવી રહ્યો હતો ત્યારે દુધાળા નજીક આવેલ મધુવન હોટલ પાસે કેટલાક શખ્સો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું ડ્રાઇવરને દેખાયુ હતું. જેથી તેણે મને એલર્ટ કર્યો હતો અને ગાડી ભગાવી દીધી હતી. મારી સાથે રહેલી અન્ય ગાડી પર હુમલો થતા તેને સામાન્ય નુકસાન થયું હતું.
તાજેતરમાં જૂનાગઢમાં આયોજિત કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જેની ટોચના નેતૃત્વએ પણ ગંભીર નોંધ લીધી હતી, જે બાદ પ્રતાપ દૂધાતને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે તેવી અટકળો વહેતી થઈ હતી.
કોંગ્રેસની પ્રાશિક્ષણ શિબિરમાં ગેરહાજરનો મુદ્દો વકર્યા બાદ પ્રતાપ દૂધાતે ખુલાસો કરતા કહ્યું કે, કોંગ્રેસ છોડવાની કોઈ વાત નથી. મારે ઘરે કોઈનું દુઃખદ અવસાન થયું હોવાથી મેં ગેરહાજર રિપોર્ટ મુક્યો હતો. પ્રદેશ પ્રમુખની રજા પણ લીધી હતી. પાર્ટીમાંથી કોઈએ હાઇકમાન્ડને મિસગાઈડ કર્યા છે, તેનો જવાબ કોંગ્રેસ આપશે. આ ઉપરાંત, તેમણે નામ લીધા વગર પાર્ટીમાં કેટલાક લોકો કિન્નાખોરી રાખતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે આ મુદ્દે કહ્યું કે, જે લોકોએ અટકચાળો કર્યો છે તે મીડિયા મારફતે ખબર પડી જશે. પ્રતાપ દૂધાતે શિસ્ત બહાર ક્યારે કામ કર્યું નથી અને કરશે પણ નહીં. મેં હોદ્દા માટે રાજનીતિ કરી નથી, મને પાર્ટીએ ઘણું આપ્યું છે. પાર્ટી હોદ્દા આપી પણ શકે અને લઈ પણ શકે પણ મારો મતાધિકાર ક્યારે લઈ શકવાના નથી.
આપણ વાંચો: અમદાવાદમાં મળશે ટ્રાફિક જામથી મુક્તિ, 13 વર્ષ પછી થશે સરવે…