સાવરકુંડલામાં શહેર ભાજપ મહામંત્રી પર હુમલો, ધારાસભ્યએ પોલીસને કહ્યું- આ કેરલ નથી ગુજરાત છે

અમરેલીઃ સાવરકુંડલા શહેરમાં લુહાર સમાજની જગ્યામાં કેબિન મુકવા બાબતે બબાલ થઈ હતી. જેમાં સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઈ માધવાણી તથા અન્ય એક વ્યક્તિ પર પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ થયેલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાજપ નેતા પર હુમલાના પગલે ધારાસભ્ય મહેશ કસવાલા હોસ્પિટલ દોડી આવ્યા હતા. અમરેલી એસપી હિમકરસિંહે સાવરકુંડલા ટાઉન પોલીસને આ મુદ્દે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ પણ વાંચો: અમરેલીમાં ખાખી વર્દી પહેરીને ફરતો બનાવટી ગઠિયો ઝડપાયો
ધારાસભ્ય મહેશ કસવાલાએ શું કહ્યું
હુમલાને લઈ હોસ્પિટલ પહોંચેલા ધારાસભ્ય મહેશ કસવાલાએ પોલીસને કહ્યું, આ કેરલ નથી ગુજરાત છે. અમારા કાર્યકર્તા પર હુમલા કોઈ પણ હિસાબે સાંખી લેવામાં આવશે નહીં. હું આ મુદ્દે આઈજીપી અને ગૃહમંત્રી સાથે વાત કરું છું, તમારે રેકોર્ડ કરવું હોય તો કરજો પણ મેસેજ પહોંચાડજો. સાવરકુંડલામાં ભાજપ નેતા પર હુમલાની વાત ધીમે ધીમે જિલ્લામાં પ્રસરતાં તેના ઘેરા પ્રત્યાઘાત ન પડે તે માટે પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
બનાવ અંગે રાજુભાઈ નાગ્રેચા શું કહ્યું
સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી રાજુભાઈ નાગ્રેચાએ કહ્યું, લોહાણા સમાજની વાડીમાં પાર્કિંગનું કામ ચાલતું હતું. ત્યાં જાહેરમાં કેબિન મૂકવું હતું. અમે તેમને અહીં પાર્કિંગ છે તેથી કેબિન ન મૂકાય તેમ કહ્યું હતું. જેને લઈ તેઓ ગાળો આપવા લાગ્યા અને અમારા પર હુમલો કર્યો હતો.