રેલવે ટ્રેક બન્યા સિંહ માટે ‘ડેથ ટ્રેક’! અમરેલીના વડીયા નજીક ટ્રેન અડફેટે વધુ એક સિંહબાળનું કરૂણ મોત

અમરેલી: ગુજરાતમાં સિંહોના અકુદરતી મૃત્યુનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ગત રાત્રે અમરેલી જિલ્લાના વડીયા નજીક ટ્રેનની અડફેટે આવી જવાથી વધુ એક સિંહબાળનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના વેરાવળથી બાંદ્રા જતી ટ્રેન નંબર ૧૯૨૦૪ સાથે બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેતપુરથી વડીયા તરફ જઈ રહેલી ટ્રેન વડીયા રેલવે સ્ટેશનથી આશરે દોઢ કિલોમીટર પહેલાં પસાર થઈ રહી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
સિંહબાળ ટ્રેન અડફેટે આવતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યું હતું. આ દુર્ઘટનાને કારણે ટ્રેન ત્યાં જ રોકાઈ ગઈ હતી, જેના પરિણામે ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં બેથી અઢી કલાક જેટલી મોડી પડી હતી, અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે ટ્રેક પર સિંહોના રહેણાંક વિસ્તારમાં અવારનવાર થતા આવા અકસ્માતો સિંહ પ્રેમીઓ અને પર્યાવરણવિદો માટે ગંભીર ચિંતાનો વિષય બન્યા છે.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગ દ્વારા મૃત સિંહબાળના મૃતદેહનો કબજો મેળવી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગીરમાં સિંહોના અકસ્માતમાં થતાં મોતનો મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે. ખુદ સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં કુલ 166 સિંહોના મૃત્યુ થયા છે. ઓગષ્ટ 2023થી જુલાઇ 2024 સુધીમાં 141 મૃત્યુ થયા હતા. જ્યારે ઓગષ્ટ 2024થી જુલાઇ 2025 સુધીમાં આ મોતનો આંકડો 166 સુધી પહોંચી ગયો હતો, ગયા વર્ષની સરખામણીએ 25 સિંહોના મૃત્યુ વધારે છે. વર્ષ 2024માં રેલ અકસ્માતના કારણે 5 સિંહોના મોત થયા હતા.



