સાવરકુંડલાના જીરા ગામની અનોખી પહેલ: ગુનાખોરી અટકાવવા મહિલા સરપંચે પરપ્રાંતીય મજૂરોનું રજિસ્ટ્રેશન શરૂ કર્યું

અમરેલીઃ જિલ્લામાં મોસમ દરમિયાન મોટી સંખ્યામાં પરપ્રાંતીયો રોજી રોટી માટે આવે છે. જે પૈકી કેટલાક ગુનાખોરી સાથે પણ સંકળાયેલા હોય છે. આ સ્થિતિમાં સાવરકુંડલા તાલુકાના જીરા ગામના શિક્ષિત મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડીયાએ ગુનાખોરી અટકાવવા માટે એક નવતર અને પ્રેરણારૂપ પહેલ કરી હતી. જીરા ગામની આશરે આઠ હજારની વસ્તીમાં હાલ માત્ર 1200 જેટલા જ મૂળ લોકો વસે છે, જેમાં મોટે ભાગે વયોવૃદ્ધોનો સમાવેશ થાય છે. ગામના યુવાનો મોટાભાગે શહેરોમાં સ્થળાંતર કરી ગયા છે. ગામની ખેતી મુખ્યત્વે 1500 જેટલા પરપ્રાંતીય મજૂરો પર નિર્ભર હોવાથી તેમની હાજરી મોટા પાયે છે.
જિલ્લામાં વૃદ્ધોને નિશાન બનાવીને થયેલા ગુનાઓની ગંભીરતા જોતાં, સરપંચ દક્ષાબેન ચોડવાડીયાએ ગામના વૃદ્ધોની સુરક્ષા માટે ગુનાખોરી અટકાવવાનો વિચાર કર્યો હતો. તેમણે ગામમાં રહેતા તમામ 1500 જેટલા પરપ્રાંતીય ખેતમજૂરોના આધારકાર્ડ અને ફોટો સાથેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે, જેના અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 800જેટલા રજિસ્ટ્રેશન પૂર્ણ થયા છે.

આ પણ વાંચો: હે! હરિયાણાનાં મહિલા સરપંચે કહ્યું, સચિન પાયલટ મારો ક્રશ.. હતો છે અને રહેશે..
મહિલા સરપંચની આ પહેલને અમરેલી એસ.પી. સંજય ખરાતે વધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ રજિસ્ટ્રેશન પ્રક્રિયાથી ગુનાખોરી કરનારા તત્ત્વોમાં પોલીસનો ડર ઊભો થશે, અને જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો ગુનેગારની વિગતવાર માહિતી હોવાથી પોલીસને ગુનાનો ઉકેલ લાવવામાં સરળતા રહેશે.
એસ.પી. સંજય ખરાતે જીરા ગામના ચોકમાં મજૂરોને એકઠા કરીને તેમને સાયબર ક્રાઇમ અને વન્યપ્રાણીઓથી બચાવવા અંગે વિશેષ સમજણ આપી હતી. તેમણે મહિલા સરપંચની પહેલને ગુનાખોરીનો ગ્રાફ અટકાવવાનો એક ઉત્તમ પ્રયાસ ગણાવીને અન્ય ગામોને પણ આ મોડેલ અપનાવવાની અપીલ કરી હતી.