અમરેલીમાં નિર્માણધીન અંડરબ્રિજના ખાડામાં એક્ટિવા ખાબક્યું, યુવકનું મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમરેલીઃ શહેરના લીલીયા રોડ પર નિર્માણધીન અંડરબ્રિજ ફરી એકવાર જોખમી સાબિત થયો હતો. જ્યાં એક એક્ટિવા સવાર યુવક બે મહિલાઓને બેસાડીને પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક અંડરબ્રિજના કામકાજ માટે ખોદવામાં આવેલા પાણી ભરેલા વિશાળ ખાડામાં એક્ટિવા સાથે ત્રણેય વ્યક્તિઓ ખાબક્યા હતા. આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. મધરાતે કડકડતી ઠંડી હોવા છતાં ફાયરબ્રિગેડના જવાનોએ પાણી ભરેલા ઊંડા ખાડામાં ઉતરીને ત્રણેય વ્યક્તિને બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ બાદ ત્રણેયને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : અમરેલીમાં ચાંચબંદરથી વિકટર પોર્ટને જોડતા બ્રિજનું ખાતમુહૂર્ત
જોકે, સારવાર દરમિયાન એક્ટિવાચાલક આશીભાઈ સતારભાઈ સેલોતનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે રહેલી બંને મહિલાઓની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. નિર્માણધીન કામકાજ દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા કે બેરિકેટિંગના અભાવે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું હતું.



