અમરેલીના સાવરકુંડલામાં બાળકીનો શિકાર કરનારો દીપડો પાંજરે પુરાયો

અમરેલીઃ જિલ્લો ગીર ફોરેસ્ટ ડિવિઝનના નજીક હોવાને કારણે અહીં દીપડાના હુમલાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામમાં બે દિવસ પહેલા એક છ વર્ષની બાળકીનો શિકાર કરનાર દીપડોપાંજરે પુરાયો હતો. દીપડાને ઘટનાસ્થળ નજીકથી જ પકડાયો હતો.
.બે દિવસ પહેલા વાડીએ મધ્યપ્રદેશનું એક પરપ્રાંતીય પરિવાર કપાસ વીણી રહ્યું હતું ત્યારે તેમની છ વર્ષની બાળકી ત્યાં રમતી હતી. અચાનક દીપડો આવ્યો અને બાળકીને ઉઠાવી ગયો હરતો. પરિવારે પીછો કર્યો, પરંતુ દીપડાએ બાળકીનો શિકાર કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી અને મૃતદેહ છોડીને નાસી છૂટ્યો હતો.
આપણ વાંચો: Amreli માં બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો, મૃતદેહ મળ્યો, વનવિભાગે શોધખોળ શરૂ કરી…
ઘટનાની જાણ વાડી માલિકને થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વનવિભાગને જાણ કરાતા સાવરકુંડલાના આરએફઓ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટના બાદ આસપાસના ખેડૂતોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો.
દીપડાએ બાળકીનો શિકાર કર્યા બાદ વનવિભાગ દ્વારા તેને પકડવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. લોકેશનના આધારે દીપડાનું સ્થાન શોધી કાઢવામાં આવ્યું હતું.
જે વિસ્તારમાં ઘટના બની હતી, ત્યાં જ પાંજરું ગોઠવી વનવિભાગની ટીમે દીપડાને સફળતાપૂર્વક પાંજરે પૂર્યો હતો. સાવરકુંડલા રેન્જના અધિકારીઓ અને કર્મચારીઓએ આ કામગીરીમાં સફળતા મેળવી હતી. દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આપણ વાંચો: નવતર પ્રયોગઃ ગુજરાતના આ શહેરમાં દીપડો આવતાં જ પડી જશે ખબર
આ પહેલા ખાંભા તાલુકાના પચપચીયા ગામમાં પણ દીપડાએ એક બાળક પર હુમલો કર્યો હતો, જેમાં બાળકનો જીવ ગયો હતો. આ ઘટના બાદ વન વિભાગે આ માનવભક્ષી દીપડાને પણ પાંજરે પૂર્યો હતો.
સપ્ટેમ્બર 2025માં બગોયા ગામ નજીક એક 25 વર્ષના યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં યુવકને ઇજા પહોંચી હતી. ફેબ્રુઆરી 2025માં દલખાણીયા રેન્જના હિરાવા બીટના રાજસ્થળી રેવન્યુ વિસ્તારમાં પણ એક ૨ વર્ષના બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં સિંહોની સાથે દીપડાની સંખ્યા પણ રેવન્યુ વિસ્તારમાં વધી રહી છે, જેના કારણે માનવ વસાહત અને ખેતરોની નજીકના વિસ્તારોમાં આ પ્રકારના હુમલાનું જોખમ સતત વધ્યું છે.