અમરેલી આરટીઓ કચેરીમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર ૯ માર્ચ સુધી પ્રતિબંધ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમરેલી: સ્થિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે અરજદારોને ગેરમાર્ગે દોરતા એજન્ટો અને બિનઅધિકૃત વ્યક્તિઓ પર લગામ કસવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમરેલીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા એક જાહેરનામા અનુસાર, કચેરીમાં વ્યાજબી કામ સિવાય આવતા તમામ બિનઅધિકૃત ઈસમો કે ટોળીઓના પ્રવેશ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને જાહેર જનતા અને અરજદારોને લાલચ આપી ગેરમાર્ગે દોરતી પ્રવૃત્તિઓ ડામી દેવા માટે આ પગલું લેવાયું છે, જે આગામી ૯ માર્ચ, ૨૦૨૬ સુધી અમલી રહેશે.
આ હુકમનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તે સજાને પાત્ર ઠરશે. આ જાહેરનામાના અમલીકરણ માટે સહાયક મોટર વાહન નિરીક્ષક (વર્ગ-૩) કે તેથી ઉપરનો હોદ્દો ધરાવતા કર્મચારીઓ તેમજ જિલ્લાના હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની રેન્કના પોલીસ અધિકારીઓને ફરિયાદ નોંધવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
વહીવટી તંત્રના આ નિર્ણયથી આરટીઓ કચેરીમાં થતી વચેટીયાઓની દખલગીરી ઘટશે અને વહીવટમાં વધુ પારદર્શિતા આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.



