અમરેલી: રાજુલામાં SBI બેંકમાં ધોળા દિવસે ₹1.50 લાખની ચોરીથી ચકચાર…

અમરેલીઃ રાજુલામાં આવેલી સ્ટેટ બેંકમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની હતી. મુખ્ય બજારમાં આવેલી આ બેંકના કેશ કાઉન્ટરની ઓફિસમાં બે અજાણ્યા શખ્સો ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા.
બેંક ધમધમતી હતી તે સમયે આ બંને શખ્સોએ કેશ કાઉન્ટરમાંથી પાંચસોના દરની ત્રણ બંડલ એટલે કે કુલ રૂ. 1,50,000ની રોકડ ઉઠાવી ફરાર થઈ ગયા. આ ચોરી એવા સમયે થઈ જ્યારે બેંકમાં મેનેજર, કર્મચારીઓ, ગ્રાહકો અને સિક્યુરિટી ગાર્ડ સહિત અનેક લોકો હાજર હતા.
ઘટના સંદર્ભે બેંકના મેનેજર પવિત્રા મોહન જેનાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બેંકના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. કેટલાક શકમંદ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ ઘટના બાદ બેંકમાં થયેલી ચોરી અંગે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવાની માગ ઉઠી હતી.
આ પણ વાંચો…SBIના ગ્રાહકો ધ્યાન આપો: આ દિવસે બેંકની UPI સેવા બંધ રહેશે, જાણો લેવડદેવડનો વિકલ્પ
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાથી બેંકના કર્મચારીઓ અને અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી હતી. કેશ કાઉન્ટરની બાજુમાં બેસેલા કર્મચારીઓ પણ આ ચોરી અટકાવી શક્યા નહીં. બે શખ્સોએ એકબીજાની મદદથી આ ચોરીને અંજામ આપ્યો હતો.
બેંકના કેશ કાઉન્ટર સુધી અજાણ્યા શખ્સો પહોંચી ગયા, પરંતુ કોઈ કર્મચારી કે અધિકારીએ તેમને રોક્યા કે પૂછપરછ કરી નહોતી. બેંકમાં થયેલી ચોરી ટોક ઓફ ધ ટાઉન બની હતી.
આ પણ વાંચો…SBI દાહોદ કૌભાંડ: નકલી દસ્તાવેજોથી ₹ 5.50 કરોડની લોન આપી, અઢાર ઝડપાયાં