રાજુલામાં વધુ એક સિંહણનો મૃતદેહ મળતા ખળભળાટ; ગાંધીનગરથી ટીમ તપાસ માટે પહોંચી…

અમરેલીઃ જાફરાબાદ રેન્જમાં ત્રણ સિંહ બાળના અચાનક મોત થતા વન વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના મુદ્દે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ વન પ્રધાન મુળુ બેરાને પત્ર લખી ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે વધુ એક સિંહણના મૃતદેહ મળી આવતા વન વિભાગે વધુ સઘન કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર અમરેલીના રાજુલા તાલુકાના માંડરડી ગામની સીમમાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. માંડરડી ગામમાં એક ખેતરમાંથી સિંહણનો મૃતદેહ મળી તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
વન વિભાગની ટીમે સિંહણના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કામગીરી માટે તેને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો હતો. વન વિભાગે આ સિંહણનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનો દાવો કર્યો હતો.
સિંહોના મોતની ગંભીર ઘટનાને પગલે ગાંધીનગરથી પીસીસીએફ જયપાલસિંહ રાઠોડ રાજુલાના ઝાંજડા એનિમલ કેર સેન્ટરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે જૂનાગઢના સીએફ, ધારી ગીર પૂર્વનાં ડીસીએફ અને શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. તેમની ટીમે જાફરાબાદ રેન્જ અને રાજુલા વિસ્તારની મુલાકાત લીધી હતી.
સિંહોના મોતની ઘટનાને પગલે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ વન પ્રધાન મુળુ બેરાને પત્ર લખી ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વન વિભાગના અધિકારીઓની બેદરકારીને સિંહોના મોત માટે જવાબદાર ઠેરવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી.
આ પણ વાંચો…જાફરાબાદ રેન્જમાં થયું હતું 3 સિંહબાળનું મોત! પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો