અમરેલીના રાજુલાના ઉંટીયા ગામે કૂવામાં ખાબકતા સિંહનું મોત

અમરેલી: જિલ્લાના રાજુલા તાલુકાના ઉંટીયા ગામમાં કુવામાં ખાબકવાથી એક યુવા સિંહનું મોત થયું હતું.
ખેડૂત વાલાભાઈ બાઘાભાઈ લાખણોત્રાની વાડીમાં આવેલો ખુલ્લો કૂવો છે. આ કૂવામાં એક થી બે વર્ષની ઉંમરનો સિંહ પડી ગયો હતો. ખેડૂતે આ અંગેની જાણ વન વિભાગને કરી હતી. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
રાજુલા રેન્જના આરએફઓ સહિત અધિકારીઓની ટીમે સિંહના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળ્યો હતો. તેને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદના બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સિંહ 24 કલાકથી વધુ સમયથી પાણી ભરેલા કૂવામાં હતો. વન વિભાગે સ્થાનિક લોકો અને ખેડૂત માલિકના નિવેદનો નોંધી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: મહુવામાં વીજ શોક લાગવાથી સિંહનું મોત: વન વિભાગે કરી એકની ધરપકડ…
તાજેતરની 16મી સિંહ વસ્તી ગણતરી 2025 મુજબ, ગુજરાતમાં કુલ 891 સિંહો નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ 339 સિંહો અમરેલી રેન્જમાં જોવા મળ્યા છે. આમ અમરેલી જિલ્લો સિંહો માટે એક મહત્વપૂર્ણ નિવાસસ્થાન બની ગયો છે. અમરેલીના ધારી, રાજુલા, ખાંભા ગીર જેવા વિસ્તારોમાં સિંહોની અવરજવર જોવા મળે છે. સિંહોની વસ્તીમાં વધારો ગુજરાત માટે ગર્વની વાત છે, પરંતુ સાથે સાથે તેમના સંરક્ષણ અને માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવા માટેના પ્રયાસો પણ જરૂરી છે.