અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશનની સતર્કતાથી રાભડા-કણકોટ માર્ગ પર મોટી દુર્ઘટના ટળી...
અમરેલી

અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશનની સતર્કતાથી રાભડા-કણકોટ માર્ગ પર મોટી દુર્ઘટના ટળી…

અમરેલીઃ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. દિવાળી પૂરી થયા બાદ પણ વરસાદની ઋતુ પૂરી થતી નથી અને મહામહેનતે ખેડૂતોએ ઉગાવેલા પાકને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. આ બધા વચ્ચે રસ્તાઓનું ધોવાણ અને ઠેર ઠેર પાણી ભરાતા જનજીવનને માઠી અસર પડી છે. મોટાભાગના જળાશયો ભરાયેલા હોવાથી ભારે વરસાદની સ્થિતિ તંત્ર માટે પણ પડકારજનક છે.

અમરેલીમાં દુર્ઘટના ટળી

દરમિયાન ભારે અસરગ્રસ્ત એવા અમરેલી જિલ્લામાં પોલીસની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે. મળતી માહિતી અનુસાર નદી પાસેના રસ્તાની બાજુમાં આવેલી દિવાલ તૂટી જતા રસ્તાનો મોટો ભાગ ધોવાઈ ગયો, પોલીસે બંને તરફ સતર્ક બંદોબસ્ત ગોઠવીને વાહનચાલકોને જોખમી વિસ્તાર વિશે ચેતવણી આપી વાહનવ્યવહારને સુરક્ષિત રીતે નિયંત્રિત કર્યો છે.
અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે રામતલિયુ નદી પાસેના રાભડા-કણકોટ જવાના માર્ગ પર સર્જાયેલી અકસ્માતજનક સ્થિતિમાં ડુંગર પોલીસે ત્વરિત અને સરાહનીય કામગીરી કરી છે.

રાભડા-કણકોટને જોડતા માર્ગ પર રામતલિયુ નદીની નજીક રસ્તાની બાજુમાં આવેલી એક દીવાલ અચાનક તૂટી પડવાથી રસ્તાનો મોટો ભાગ ધોવાઈ ગયો હતો. દીવાલ તૂટી જવાથી અને રસ્તો ધોવાઈ જવાથી વાહનવ્યવહાર માટે ગંભીર જોખમ ઊભું થયું હતું, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના થવાની સંભાવના હતી. આ બાબતની જાણ થતાની સાથે જ ડુંગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલાં લીધા છે. પોલીસે તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે હોમગાર્ડ જવાનોને ઘટનાસ્થળે બંદોબસ્ત માટે મોકલી આપ્યા છે.

વરસતા વરસાદે પોલીસ ખડેપગે

ધોવાણ થયેલા રસ્તાની બંને તરફ સતર્ક બંદોબસ્ત ગોઠવીને હોમગાર્ડ જવાનોએ વાહનચાલકોને જોખમી વિસ્તાર વિશે ચેતવણી આપી હતી અને વાહનવ્યવહારને સુરક્ષિત રીતે નિયંત્રિત કર્યો હતો. પોલીસની આ ત્વરિત કામગીરીથી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટી અકસ્માતની ઘટના ટળી છે. હાલમાં, તંત્ર દ્વારા રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવે ત્યાં સુધી પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત ચાલુ રહેશે, જેથી લોકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે, તેવી માહિતી રાજ્ય સરકારે આપી હતી.

આ પણ વાંચો…માવઠાને લઈ સરકારે ખેડૂતો માટે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો નુકસાન અટકાવવા શું કરશો?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button