સૌરાષ્ટ્રમાં પોલીસ ભરતીની તૈયારી કરતો યુવક ગ્રાઉન્ડ પર જ ઢળી પડી મોતને ભેટ્યો…

અમરેલીઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે થોડા દિવસ પહેલા મોટી જાહેરાત કરી હતી. પોલીસની ભરતી આવી રહી છે ત્યારે એ માટે તૈયારીઓ કરનારા યુવાનો માટે સમગ્ર રાજ્યના પોલીસ ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે. પોલીસની સાથે એસઆરપી વગેરેના ગ્રાઉન્ડ પર પણ યુવાનો તૈયારી કરી શકશે. હર્ષ સંઘવીની આ જાહેરાત બાદ અનેક યુવાનો તૈયારીમાં લાગી ગયા હતા. આ દરમિયાન અમરેલીના જાફરાબાદમાંથી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો.
મળતી વિગત પ્રમાણે, જાફરાબાદમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા અને પોલીસ ભરતીની તૈયારી કરતા 24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. યુવકને સવારના સમયે વોકિંગ દરમિયાન અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવકની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે જાફરાબાદથી રાજુલા લઈ જવામાં આવતો હતો ત્યારે રસ્તામાં જ મરણ પામ્યો હતો.
મૃતક યુવક જાફરાબાદમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતો હતો અને સાથે સાથે તે પોલીસ ભરતી માટેની તૈયારી પણ કરતો હતો. પરંતુ ખાખી વર્દી પહેરવાનું તેનું સ્વપ્ન પૂરું થાય તે પહેલા જ મોત થતાં પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. યુવકના મોતના પગલે જાફરાબાદ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
તાજેતરમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં હાર્ટ એટેકથી છેલ્લા પાંચ વર્ષમાં 2.97 લાખ લોકોના મૃત્યુ થયા છે. હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં 9 ગણો વધારો થયો છે. રાજ્યમાં દરરોજ સરેરાશ 205 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા છે. ગુજરાતમાં જે કારણથી સૌથી વધુ મૃત્યુ થાય છે તેમાં હાર્ટ એટેક મોખરે છે. રાજ્યમાં કઈ બીમારીથી સૌથી વધુ મૃત્યુ થયા તે અંગેના અહેવાલમાં આ વાત સામે આવી હતી. જે મુજબ, રાજ્યમાં 2019માં 8689 લોકોના હાર્ટ એટેકથી મોત થયા હતા, 2023માં આંકડો વધીને 74,777 પર પહોંચ્યો હતો. રાજ્યમાં પાંચ વર્ષમાં 2.97 લાખ લોકોના હાર્ટ એટેક – હૃદય સંબંધિત બીમારીથી મૃત્યુ થયા હતા.
આ પણ વાંચો…ધોરડો રણોત્સવમાં બંદોબસ્ત વચ્ચે શોકનું મોજું: SRPના બસ ચાલકનું હાર્ટ એટેકથી નિધન…



