અમરેલીના લીલીયામાં સિંહણના મોત મામલે બે આરોપીઓની ધરપકડ

અમરેલીઃ જિલ્લામાં સાવજની સંખ્યા રાજ્યમાં સૌથી વધારે છે. સિંહોના મોતના બનાવ પણ સામે આવતા રહે છે. લીલીયા રેન્જમાં સિંહણના મોત મામલે વન વિભાગને મોટી સફળતા મળી હતી. ગેરકાયદેસર ઇલેક્ટ્રિક શોક આપીને સિંહણનો શિકાર કરવા બદલ વન વિભાગે બે આરોપીઓની ધરપકડ કરી હતી. બે દિવસ પહેલા કણકોટ ગામ નજીક રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા મૃતદેહ પર ઇલેક્ટ્રિક શોકના નિશાન મળ્યા હતા, જેનાથી વન વિભાગ ચોંકી ઉઠ્યું હતું.
તપાસમાં શું થયો ખુલાસો
પ્રાથમિક તપાસમાં સિંહણના મોત બાદ આરોપીઓએ તેના મૃતદેહને વાહનમાં ભરીને કાચા માર્ગે ફેંકી દીધો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ 35 થી 40 કર્મચારીઓની ટીમોએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટીમોએ 600થી વધુ રેવન્યુ સર્વે નંબરોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને ગેરકાયદેસર ઇલેક્ટ્રિક વાયરોની તપાસ કરી હતી.
આ પણ વાંચો : કચ્છમાં BSFની મોટી કાર્યવાહી, કોરી ક્રીકમાં પાકિસ્તાની 15 ઘૂસણખોરોની ધરપકડ…
સીસીટીવી ફૂટેજ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની મદદથી મોબાઈલ ટાવર ડમ્પ ડેટાની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન આંબા ગામના 32 વર્ષીય જયરાજભાઈ રામકુભાઈ બોરીચા (વાડી માલિક) અને તેમના ભાગીયા ખેતમજૂર સરદારભાઈ કલ્યાણભાઈ બધેલની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. પૂછપરછમાં બંને આરોપીઓએ કબૂલ્યું કે તેમણે પોતાના ખેતરની ફરતે ગેરકાયદેસર જીવંત ઇલેક્ટ્રિક શોર્ટ મૂક્યો હતો, જેના કારણે સિંહણનું મોત થયું હતું. ત્યારબાદ બંનેએ મૃતદેહને સનેડા વાહનમાં ભરી મોટા કણકોટથી શેત્રુંજી નદીના કાચા માર્ગે ફેંકી દઈ ગુનો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત સિંહણના રૂંવાટી ચોંટેલા પોતાના કપડા પણ તેમણે સળગાવી નાખ્યા હતા. વન વિભાગે બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને અમરેલી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.