અમરેલી લેટર કાંડઃ આરોપી મનીષ વઘાસીયાએ કર્યો મોટો ઘટસ્ફોટ, રાજકારણમાં આવી શકે છે ગરમાવો

અમરેલીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં અમરેલી લેટર કાંડનો (amreli letter kand updates) મુદ્દો ગુંજ્યો હતો. પોલીસે યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા, જસવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોળીયા, પાયલ ગોટી, જીતુ ખાત્રા મળી કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. જે બાદ પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવતો મામલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. બહુચર્ચિત લેટરકાંડ મામલે જેલમાં રહેલા બાકીના ત્રણેય આરોપીઓનો જામીન પર છુટકારો થયો હતો. આ કેસના આરોપી મનીષ વઘાસીયા સહિત ત્રણેય આરોપીએ પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર કાંડમાં તેઓને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે. જશવંતગઢનાં પૂર્વ સરપંચ અશોકભાઈ માંગરોળીયાએ જણાવ્યું હતું કે, વિવિધ કામોમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે તેઓ રજૂઆત કરતા હતા. જેથી બદલાની ભાવના રાખી તેઓને ફસાવવામાં આવ્યા છે.
શું કહ્યું મનીષ વઘાસીયાએ
મનીષ વઘાસીયાએ કહ્યું, પોલીસે ધરપકડ કરીને ખૂબ જ માર માર્યો હતો. તેઓ આ લેટર લખાવવામાં દિલીપ સંઘાણી અને પૂર્વ સાંસદ નારણ કાછડીયા સહિત આગેવાનોનો રોલ છે તેવું બોલાવવા માંગતા હતા. લેટર કાંડમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પર જવાબદારી ઢોળવા ભાજપના કોઈ નેતાના દોરીસંચાળ હેઠળ પોલીસ આરોપીઓની મારકૂટ કર્યાનો ઘટસ્ફોટ થતાં અમરેલી ભાજપના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.
આ ઉપરાંત તેમણે કહ્યું, સાંજે છ થી રાત્રિના અગિયાર સુધી એલસીબી ઓફિસે અમને લઈ જઈને એક પછી એક અંદર બોલાવ્યા હતા. મને પહેલા જ બોલાવીને માર માર્યો અને કહ્યું, આ પત્રકાંડમાં નારણ કાછડિયા, દિલીપ સંઘાણી, અશ્વીન સાવલિયા, મુકેશ સંઘાણી, સુરેશ શેખવાના નામ લઈને તે નામ મારી પાસે બોલાવવા પોલીસે ખૂબ માર માર્યો હતો. હાથમાં પટ્ટા માર્યા હતા. પરંતુ પોલીસ જેટલો અત્યાચાર કરતી ગઈ તે દર વખતે મેં કહ્યું- કિશોર કાનપરિયાની જ ઓરીજનલ સહી છે અને લેટરપેડ પણ અસલી જ છે.
ઉલ્લેખનીય છે આ કેસમાં પાયલ ગોટીએ પણ પોલીસે પટ્ટાથી માર માર્યો હતો અને એક નિવેદનમાં તેની હાજરીમાં મનીષ વઘાસીયાની પોલીસ મારકૂટ કરતી હોવાનું કહ્યું હતું. એક મહિનાથી જેલમાં રહેલા ત્રણેય આરોપીઓને થોડા દિવસ પહેલા જ જમીન મળ્યા હતા. જેલ બહાર આવતાં જ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેલમાંથી બહાર નીકળ્યા બાદ મનીષ વઘાસીયાએ જણાવ્યું હતું કે, લેટર અને તેમાં કરેલી સહીઓ ઓરીજનલ જ છે.
આ પણ વાંચો…અમદાવાદનો આ વિસ્તાર જાણે ટીબીનું ઘર! સૌથી વધુ 1229 કેસ
ડિસેમ્બર 2024માં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના બનાવટી લેટરપેડ ઉપર વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવાના ગંભીર આક્ષેપો થયા હતા. બાદમાં કિશોર કાનપરિયાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં અમરેલી પોલીસે પાયલ ગોટી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી.