અમરેલીના લાઠીમાં પતિએ પત્નીની કરી હત્યા, ધૂળેટીનું પર્વ ફેરવાયું માતમમાં…

અમરેલીઃ લાઠીમાં ધૂળેટીના દિવસે પતિએ ખુનીખેલ ખેલ્યો હતો. પતિએ તેની પત્નીને છરીથી રહેંસી નાંખતા ખળભળાટ મચી ગયો હતો. ઘટના પાછળનું કારણ પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની આશંકામાં પતિએ હત્યાને અંજામ આપ્યો હતો.
Also read : અમરેલીઃ લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાને દુલ્હનના પ્રેમીએ રહેંસી નાંખતાં ચકચાર, જાણો વિગત
પતિએ પત્નીના ગળા અને પેટના ભાગે છરીના ઘા માર્યા
થોડા સમય પહેલા પત્નીનો હાથ પકડીને એક યુવક દુકાન પાસે ઊભો હતો, જે પરિણીતાના સસરાએ જોયું હતું. આ વાતની જાણ પતિને થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. પતિએ પહેલા છૂટાછેડા લેવાની વાત કરી હતી. જોકે, પરિવારજનોની સમજાવટથી બંને વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ ધૂળેટીના દિવસે સાંજે ઘરમાં બંને એકલા હતા ત્યારે પતિએ પત્નીના ગળા અને પેટના ભાગે છરીના ઘા મારી હત્યા કરી હતી.
ઘટનાની જાણ થતાં લાઠી પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી.
Also read : અમરેલીના આ ગામમાં એક વર્ષમાં થઈ 381 લગ્નની નોંધણી, લવ જેહાદની પણ આશંકા
થોડા દિવસ પહેલા રાજુલાના ધારેશ્વરમાં રહેતી એક મહિલાને પણ તેના પતિએ ચારિત્ર્ય પર શંકા કરી પાઇપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. જેથી મહિલાએ એસિડ પી લેતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પરિણીતાએ તેના પતિ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પતિએ તું મારી ગેરહાજરીમાં બધાને ઘરે બોલાવે છે કહી ચારિત્ર્ય પર શંકા કરી બોલાચાલી કરી હતી. તેમજ પાઇપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. પતિ અવારનવાર મારકુટ કરતો હોવાથી લાગી આવતાં તેણે એસિડ પી લીધું હતું.