અમરેલીઃ બાબરામાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનીંગ, 50 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

અમરેલીઃ રાજ્યમાં હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. અમરેલીના બાબરામાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનીંગ થતાં 50 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દરેડ ગામે લગ્ન પ્રસંગે વાસાવડ નજીક શાખપરથી જાન આવી હતી અને બરફી, થાબડી સહિતનો ખોરાક ખાધા બાદ 50થી વધુ લોકોની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કેમ્પ યોજતી હૉસ્પિટલોએ કરવું પડશે આ કામ, જાણો વિગત
લગ્નના ભોજન સમારંભમા ભાગ લેનારા લોકોને મેાડી સાંજે ફડ પોઇઝનીંગની અસર થવા લાગી હતી. બાબરા તાલુકાના દરેડ ગામે ભુપતભાઇ રહીમભાઇ કુરેશીના પુત્રીના નિકાહ હતા. વાસાવડ નજીક શાખપર ગામેથી જાન આવી હતી. માંડવીયા અને જાનૈયાને થાબડી, બરફી, દાળભાત, શાક, પુરી, રોટલી જેવો ખોરાક પીરસવામા આવ્યો હતો. લગ્ન બાદ જાનને તેના ગામ રવાના કરી દેવાઇ હતી.
દરમિયાન મોડેથી માંડવીયા પક્ષના લોકોને ફૂડ પોઇઝનીંગની અસર થતા બાબરાના સરકારી અને ખાનગી દવાખાને ખસેડવામા આવ્યા હતા. 50 જેટલા લોકોને ફુડ પોઇઝનીંગની અસર થઇ હતી. જો કે તમામ લોકોની હાલત ખતરાની બહાર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું.