અમરેલીમાં મેઘતાંડવઃ 9 ઇંચ વરસાદથી નદી-નાળા છલકાયા, રાજુલામાં 50 લોકોનું રેસ્ક્યૂ

અમરેલીઃ જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદે કહેર મચાવ્યો હતો. રાજુલામાં પડેલા 9 ઇંચ વરસાદના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે અમરેલીના ધાતરવાડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેથી અનેક ગામો સંપર્કવિહોણા બન્યા હતા.
આ પૂરના પાણી વચ્ચે કુલ બે મહિલાને પ્રસવ પીડા ઉપડતાં તેમને હૉસ્પિટલ લઈ જવું અઘરું પડ્યું હતું. કોઈ વાહન ન મળતાં એક મહિલાને જીસીબીનો સહારો લઈ હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યારે અન્ય મહિલાને બોટ મારફતે દરિયાઈ માર્ગે ખાડી પાર કરાવી સામા કાંઠે લાવી 108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ હતી. આ સિવાય રાજુલામાંથી 50 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
આપણ વાચો: કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો! અમદાવાદ અને મહીસાગરમાં એક એક મકાન ધરાશાહી, બેના મોત
ખેતરો પાણીમાં તરબોળ
ભારે વરસાદના પગલે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે સહિત અનેક રસ્તાઓ બંધ થયા હતા. બીજી તરફ ખેતરો પાણીમાં તરબોળ થતાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ધાતરવડી ડેમ-2 દરવાજા ખોલાતા ખાખબાઈ, હિંડોરણા, વડ, રામપરા, કોવાયા, ઉછેયા, ભેરાઇ અને ભચાદ સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા.
ધારતવડી નદીના પાણી ફરી વળતાં રાજુલા તાલુકાનું ઉંચેયા ગામ સંપર્ક વિહોણુ થયું હતું. વાડી વિસ્તારમાં 50 જેટલા શ્રમિકો ફસાઇ જતાં રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી પાણીના ધમસમતા પ્રવાહમાંથી પસાર થઇને પહોંચ્યા હતા. તેમજ પીપાવાવ મરીન પોલીસ પણ ઘટના સ્થળે પહોંતી હતી અને ફસાયેલા 50 લોકોનું રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આપણ વાચો: ઓડિશામાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો! વીજળી પડતા 10 લોકોના મોત, ઓરેન્જ એલર્ટ જાહેર
બોલેરો ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઇ
રાજુલાના રામપરા ગામમાં ધાતરવડી નદીના પાણી ઘૂસી જતાં દૂધ લઇને જતો બોલેરો ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઇ ગયા બાદ તણાઇ ગયો હતો. જોકે, સ્થાનિક લોકોએ ભેગા મળીને દોરડા વડે ચાલકનું રેસ્ક્યૂ કરીને જીવ બચાવી લીધો હતો.
ખાંભા તાલુકામાં પણ ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ખાંભાનો રાયડી ડેમ છલકાઇ જતાં પાંચ દરવાજા બે-બે ફૂટ ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઇને નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
આપણ વાચો: દેશમાં આકાશી આફતનો કહેર: દિલ્હીમાં 3 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો બીજા રાજ્યોની સ્થિતિ
અમરેલી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
અમરેલી જિલ્લામાં સાંજે છ વાગ્યા સુધીમાં લીલીયામાં 4.49 ઇંચ,સાવરકુંડલામાં 3.70 ઇંચ, ખાંભામાં 3.62 ઇંચ, જાફરાબાદમાં 1.85 ઇંચ, અમરેલી શહેરમાં 1.26 ઇંચ, ધારીમાં 0.94 ઇંચ,લાઠીમાં 0.63 ઇંચ, બગસરામાં 0.63 ઇંચ વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સાર્વત્રિક માવઠું થતાં ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો.
અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, અલગ અલગ 3 જગ્યાએથી 50થી 100 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.પાણીમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.



