UPDATE: અમરેલીમાં યુવતી પર હુમલો કરનારા બે ઝડપાયા, રાજકીય આગેવાનોએ પીડિતા સાથે કરી મુલાકાત

અમરેલીઃ શહેરના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં મંગળવારે એક યુવકે 24 વર્ષીય યુવતી પર છરી વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ યુવતીને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે મામલે અમરેલી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં બંને આરોપીને ઝડપી પાડ્યા હતા.
પ્રાથમિક પોલીસ તપાસમાં ભોગ બનનારની એક મહિના પહેલા અન્ય જગ્યાએ સગાઈ કરવામાં આવી હતી. આરોપી સાથે અગાઉ પ્રેમસંબંધ હતો અને હવે આરોપી સાથે વાત ન કરતી હોવાના કારણે હુમલો કર્યો હોવાનું આરોપીએ પોલીસ પૂછપરછમાં કબૂલ્યું હતું. આરોપી વિપુલ જાદવ વિરૂદ્ધ અગાઉ જુગાર સહિતના અનેક ગુનાઓ નોંધાયા હતા.
આ ઘટનાને લઈ મહિલા કોંગ્રેસ નેતા જેની ઠુંમર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે યુવતીની મુલાકાત લઈને સરકાર સામે કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. ‘દિવસે દિવસે ગુનાખોરી વધી રહી છે, દીકરીઓ ઉપર હુમલા થઈ રહ્યા છે, પરંતુ ભાજપ સરકાર ચિંતા કરવાની જરૂર છે. અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ પણ પીડિતાના ખબર અંતર પૂછ્યા હતા.
શું છે મામલો
અમરેલીના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં રહેતી હેતલબેન ભાડ નામની યુવતી ઉપર તે જ વિસ્તારમાં રહેતા વિપુલ ધૂંધરવા નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળાના ભાગે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. યુવતીની સગાઈ એક મહિના પહેલા થઈ હતી, જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ આ હુમલો કર્યો હતો. પ્રથમ વખત આરોપી યુવતીની પાછળ જઈને તેની સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી અને બાદમાં ત્યાંથી જતો રહ્યો હતો. જોકે, ત્યારબાદ બીજી વખત આવ્યો હતો. તેમાંથી એક અજાણ્યા આરોપીએ યુવતીને પકડી રાખી હતી, જ્યારે વિપુલ ધૂંધરવાએ યુવતીને મારી નાખવાના ઈરાદે તેના ગળાના ભાગે અને ડાબા હાથ પર છરીના ઘા માર્યા હતા. આ હુમલામાં યુવતીને જીવલેણ ઈજાઓ પહોંચી હતી.