ટેકાના ભાવે ખરીદીની સ્પષ્ટતા નહીં: અમરેલીના ખેડૂતો મગફળી ઓછા ભાવે વેચવા મજબૂર

અમરેલીઃ રાજ્ય સરકાર દ્વારા 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કેટલી મગફળી ખરીદવી તેની સ્પષ્ટતા કરી નથી, જેને લઈ અમરેલી જિલ્લામાં ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા અને ઓછા ભાવે વેચવા મજબૂર બન્યા હતા. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં રૂ.1452 જેટલો ભાવ નક્કી કર્યો હતો, તેમ છતાં 30-40 ટકા જેટલાં ખેડૂતોએ તો માત્ર 600 થી 1 હજાર સુધીના ભાવમાં મગફળી વેચવી પડી હતી. બીજી તરફ, ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદવાની છે તેને લઈને કોઈ સ્પષ્ટતા ન કરવામાં આવતા અમરેલી સહિતના ખેડૂતોમાં રોષે ભરાયા હતા.
અમરેલી જિલ્લામાં માવઠાના કારણે અનેક ગામડાઓમાં ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયા છે.જેના કારણે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદવામાં આવશે તેની હજુ સુધી કોઈ સ્પષ્ટતા ન હોવાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. પાછોતરા વરસાદ બાદ ખેડૂતોની વધુ વિકટ સ્થિતિ વચ્ચે ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદવાની છે તે અવઢવ વચ્ચે અમરેલી જિલ્લાના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ખરીફ મગફળીનું ઉત્પાદન 46.07 લાખ ટન થવાનો અંદાજ…
ઉલ્લેખનીય છે કે ટેકાના ભાવે ખરીદી માટે 30 ઓગસ્ટના રોજ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ છતાં સપ્ટેમ્બર મહિના પછી છેક હવે 1 નવેમ્બરથી સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી તી. આ દરમિયાન દિવાળીનો તહેવાર, બિયારણનો ખર્ચ, મજૂરી સહિતના પૈસા ચૂકવવા માટે ખેડૂતો મગફળીનો જથ્થો વેચવા મજબૂર બન્યા હતા. જિલ્લામાં સૌથી વધુ 250 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું, જેનો પાક તૈયાર થઈ ગયો હતો. પરંતુ છેલ્લા કમોસમી વરસાદે ઘણા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો હતો.



