અમરેલી

જજના PA બનીને આપતો હતો સરકારી નોકરી, અમરેલીમાં લાલચ આપી ₹2.03 લાખની છેતરપિંડી…

અમરેલીઃ અમરેલી જિલ્લા કોર્ટમાં ડ્રાઈવરની નોકરી અપાવવાના બહાને એક ગઠિયાએ બેરોજગાર યુવક સાથે લાખોની છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ હતી. બગસરાના માવજીજવા ગામના પ્રકાશ ઉર્ફે બાબુભાઈ રવજીભાઈ દાફડા નામના શખ્સે પોતે ડિસ્ટ્રિક્ટ જજ બુખારી સાહેબનો PA હોવાનું જણાવી આ ગુનો આચર્યો હતો. જેતપુરના ખજુરી ગુંદાળા ગામે રહેતા નિકુંજભાઇ કડવાભાઇ બુટાણી (ઉ.વ.૨૭) એ બગસરાના માવજીંજવા ગામના પ્રકાશ ઉર્ફે બાબુભાઈ રવજીભાઈ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી.

જજના ખર્ચના બહાને પડાવ્યા રૂપિયા

આરોપીએ પોતે સરકારી કર્મચારી હોવાનું અને કોર્ટમાં નિરીક્ષણનું કામ કરતો હોવાનું કહી ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો. ફરિયાદી ઓછું ભણેલા હોવા છતાં ‘ખાનગી સેટિંગ’ દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ડ્રાઈવરની નોકરી અપાવવાની લાલચ આપી હતી. જજના ખર્ચના બહાને આરોપીએ ફરિયાદી પાસેથી ગૂગલ પે મારફતે ₹2,03,000/- પડાવી લીધા હતા.

ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ડિજિટલ સાઈન વાળો બોગસ નિમણૂક પત્ર આપ્યો

આરોપીએ ફરિયાદીને અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ડિજિટલ સાઈન વાળો બોગસ નિમણૂક પત્ર પણ આપ્યો હતો. જ્યારે ફરિયાદી 8 સપ્ટેમ્બરના રોજ ઓર્ડર લઈને હાજર થવા ગયા, ત્યારે રજીસ્ટ્રાર દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે આવી કોઈ ભરતી જ થઈ નથી અને ઓર્ડર સંપૂર્ણપણે નકલી છે.

સરકારી રેકોર્ડમાં છેડછાડ કરી, જજ સાહેબના નામનો ખોટો ઉપયોગ કરી અને સરકારી કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરવા બદલ પોલીસે આરોપી પ્રકાશ દાફડા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button