અમરેલીઃ વડિયાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં પતિ-પત્નીની કરપીણ હત્યાથી ચકચાર…

અમરેલીઃ વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં ડબલ મર્ડરનો કેસ સામે આવ્યો હતો. વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યા કરાઈ હતી. મૃતક દંપતી એકલું રહેતું હતું. મૃતકનું નામ ચકુભાઈ રાખોલિયા અને તેમના પત્ની કુવરબેન રાખોલિયા હોવાનું સામે આવ્યું છે હતું. લૂંટના ઇરાદે હત્યા કરાઈ હોવાની આશંકા છે. પોલીસે ડબલ મર્ડર કેસમાં તપાસ શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બનાસકાંઠામાં સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પીએસઆઈ એ.વી. પટેલના વૃદ્ધ માતા-પિતાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામમાં બની હતી. 15 જૂન, 2025 ના રોજ રાત્રે, વૃદ્ધ દંપતી વર્ધાજી મોતીજી ચૌધરી અને હોશીજી વર્ધાજી ચૌધરી તેમના ઘરમાં સુઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘુસીને ધારદાર હથિયારો વડે તેમની હત્યા કરી હતી.
હત્યારાઓએ દંપતી પર અનેકવાર પ્રહાર કર્યા હતા. મહિલાના પગમાં પહેરેલા ચાંદીના કડા કાઢવા માટે તેના પગ પણ કાપી નાખ્યા હતા. કાન અને ગળામાંથી પણ સોનાના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા. ઘરનો સામાન વેરવિખેર કરી દેવામાં આવ્યો હતો અને તિજોરી તોડી નાખવામાં આવી હતી.
આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શરૂઆતમાં લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનું લાગતું હતું, પરંતુ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી. પોલીસે 80 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને 300 થી વધુ લોકોની પૂછપરછ કરી. આખરે, ટેકનિકલ વિશ્લેષણ અને માનવીય ગુપ્તચર માહિતીના આધારે, પોલીસને જાણવા મળ્યું કે આ હત્યા અંધશ્રદ્ધા અને કાળા જાદુ સાથે સંબંધિત હતી. પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે, જેમાં પાડોશીઓ એવા શામલા પટેલ અને તેમનો દીકરો સુરેશ પટેલ, સુરેશના મામો ઉમાભાઈ પટેલ અને એક ભુવાજી દિલીપ ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી.