ધારીના ભાડેર ગામમાં ખેતરમાં દાટેલા યુવકનો મૃતદેહ મળતા ખળભળાટ, હત્યાની આશંકાએ પોલીસ દોડતી થઈ

અમરેલીઃ ધારી તાલુકાના ભાડેર ગામમાં પોલીસે જમીનમાં દાટેલા યુવકનો મૃતદેહ કાઢ્યો હતો. યુવકની હત્યા થઈ હોવાની આશંકાએ પોલીસે મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ધારી પોલીસને માહિતી મળી હતી કે, ભાડેર ગામમાં એક યુવકની હત્યા થઇ છે અને એનો મૃતદેહ દાટી દેવામાં આવ્યો છે. આ માહિતીના આધારે ધારી એએસપી જયવીર ગઢવી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આજે વહેલી સવારે ભાડેર ગામમાં પહોંચ્યા હતા. જ્યાં એક વાડીમાં શંકા જતા પંચોની હાજરીમાં ખોદકામ કરતા યુવકનો મૃતદેહ મળ્યો હતો.
ધારી પોલીસે યુવકના મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે. બીજી તરફ પોલીસને પરિવાર પર શંકા હોવાથી પોલીસે મૃતકના પરિવારજનો સહિત કેટલાક શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરી હતી. યુવકની ઓળખ વિધિ અને મોતનું રહસ્ય ઉકેલવા પોલીસે કવાયત શરૂ કરી હતી.



