અમરેલીમાં સંકલન બેઠકમાં ધારાસભ્યોએ અધિકારીઓ ખખડાવ્યા | મુંબઈ સમાચાર
અમરેલી

અમરેલીમાં સંકલન બેઠકમાં ધારાસભ્યોએ અધિકારીઓ ખખડાવ્યા

અમરેલીઃ જિલ્લા કલેક્ટર કચેરીમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ વચ્ચે સંકલન બેઠકો યોજાય હતી. આ બેઠકોમાં લોકોના પ્રશ્નો, પડતર કામો, વિકાસના કાર્યો અને કાયદો વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને તેના નિરાકરણ માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અને સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા. બંને ધારાસભ્યોએ અધિકારીઓને આડે હાથ લીધા હતા.

કલેકટરે તમામ પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી

વેકરિયાએ આઉટસોર્સ કર્મચારીઓના પગાર, જર્જરિત પુલોના ડાયવર્ઝન, નેશનલ હાઇવેના રીપેરીંગ અને વરસડા વાસ્મોના કામ અંગે અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ પ્રાંત કચેરીના પ્રશ્નો અને એનઓસી મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા હતા. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ મેન્ગ્રૂવ વૃક્ષોનું છેદન, સિંચાઈ અને નાના બારમણ ગામના તૂટેલા પાણીના ટાંકા અંગે ચર્ચા કરી હતી. ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયાએ કાચા ગાડા માર્ગના અધૂરા કામો અને સબ સ્ટેશનના કનેક્શનો વિશે મુદ્દા ઉઠાવ્યા હતા. કલેકટર ભારદ્વાજે તમામ પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

આ પણ વાંચો: અમરેલીના ત્રણ મહત્વના પુલ પર વાહનવ્યવહાર પ્રતિબંધિત, વૈકલ્પિક રૂટ જાહેર…

ઉલ્લેખનીય છે કે સંકલન બેઠક જુદા જુદા વિભાગો, એજન્સીઓ, વ્યક્તિઓ અથવા જૂથો વચ્ચે કામકાજમાં તાલમેલ સાધવા, સુમેળ જાળવવા અને એકબીજાને સહકાર આપવા માટે યોજવામાં આવે છે. જેમાં વિવિધ પક્ષો વચ્ચે જરૂરી માહિતી અને અપડેટ્સ શેર કરવામાં આવે છે. તેમજ સામાન્ય સમસ્યાઓને ઓળખીને તેનું સંયુક્ત રીતે નિરાકરણ લાવવામાં આવે છે. આ ઉપરાંત સંકલન બેઠકમાં વિવિધ અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું યોગ્ય રીતે અમલ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button