
અમરેલી/મોરબીઃ સૌરાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માતની બે ઘટનામાં સાત લોકોના મૃત્યુ થયા હતા. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાળા ગામ નજીક પુરપાટ ઝડપે આવતી કાર પલટી મારી ખેતરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતની બીજી ઘટના મોરબી જિલ્લામાં બની હતી. બનાસકાંઠાથી દ્વારકા દર્શને જતા પદયાત્રીઓના સંઘને મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ચાંચાવદરડા ગામના પાટીયા પાસે અકસ્માત નડ્યો હતો. અજાણ્યા વાહન ચાલકે પાંચ પદયાત્રીઓને હડફેટે લીધા હતા. જેમાં ચારનાં મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો.
મળતી વિગત પ્રમાણે, અમરેલીના બગસરાના હડાળા ગામ પાસે અકસ્માતમાં ત્રણના મોત થયા હતા. હડાળાથી ત્રણ કિલોમીટર આગળ ડેરીપીપળીયા ગામના પાટીયા પાસે રાત્રીના સમયે પુરઝડપે આવતી કાર પલટીને ખેતરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. વિકાસ સવજીભાઈ સાવલિયા, મંથન સાવલિયા, ધર્મેશ સાવલિયાના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા, જ્યારે નીરજભાઈ મકવાણાને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ રીફર કરાયા હતા.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કાર અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માત બાદ મૃતકોના પરિવારમાં આઘાતનો માહોલ છવાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કારને ભારે નુકસાન થયું હોવાથી તેમાં સવાર લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબી જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
મોરબીમાં દ્વારકા જતા શ્રદ્ધાળુઓને વાહન ચાલકે મારી ટક્કર
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકાના શ્રદ્ધાળુઓનો એક સંઘ પગપાળા દ્વારકા તરફ જઈ રહ્યો હતો. આજે વહેલી સવારે જ્યારે આ સંઘ માળિયા-પીપળીયા હાઈવે પર આવેલા ચાચાવદરડા ગામના પાટીયા પાસે પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે પાંચ પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી ફરાર થઈ હતો. મૃતકોમાં અમરાભાઈ ચૌધરી, ભગવાનભાઈ ચૌધરી, હાર્દિક ચૌધરી, દિલીપભાઈનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય દુર્લભજી દેથરિયા પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. 11 લોકોનો સંઘ પગપાળા દ્વારકા જઈ રહ્યો હતો.
આપણ વાંચો: ગુજરાતમાં જંત્રીના દર લગભગ બમણા થશે, ક્યારથી થશે અમલ ?



