અમરેલીના ત્રણ મહત્વના પુલ પર વાહનવ્યવહાર પ્રતિબંધિત, વૈકલ્પિક રૂટ જાહેર…

અમરેલી: મહીસાગર નદી પરના ગંભીરા બ્રીજ તૂટી પડવાની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે અને રાજ્યના તમામ બ્રીજની ચકાસણી કરવાના આદેશ આપ્યા હતાં. આ દરમિયાન રાજ્યના અનેક પુલની સ્થિતિ નબળી જણાઈ આવતા તંત્ર દ્વારા વાહનવ્યવહાર પર પ્રતિબંધ ફરમાવાનો હુકમ કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં પણ ચકાસણી દરમિયાન બે પુલની સ્થિતિ નબળી જણાઈ આવી હોય બન્ને પરથી વાહન વ્યવહાર સંદર્ભે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
નાના માચીયાળા પાસે પુલની સ્થિતિ નબળી
અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડીને અમરેલી-બાબરા નેશનલ હાઈવે પર આવેલ નાના માચીયાળા ગામ પાસે આવેલા પુલની સ્થિતિ નબળી હોય અમરેલીથી બાબરા તરફ જતા તમામ પ્રકારના ભારે વાહનોએ અમરેલી બાયપાસ પરથી લાઠી ચોકડી થઇને લાઠી-ચાવંડ રોડ થઈ બાબરા રોડ પરથી પસાર થવા સુચના આપવામાં આવી હતી. બાબરાથી અમરેલી તરફ આવતા તમામ પ્રકારના ભારે વાહનોએ બાબરા-ચાવંડ-લાઠી-અમરેલી રોડ પરથી પસાર થવા સુચના આપવામાં આવી હતી.
ઠેબી નદી પરનો પુલ ખરાબ સ્થિતિમાં
અમરેલી-ગાવડકા નેશનલ હાઈવે નં. ૩૫૧, ઠેબી નદી પરનો પુલ ખરાબ સ્થિતિમાં હોય આથી સાવરકુંડલાથી બગસરા તરફ જતાં તમામ વાહનોએ એન.એચ પરથી ફતેપુર-વિઠ્ઠલપુર થઈ ગાવડકા ચોકડી (એન.એચ)-બગસરા રોડ, બગસરા તરફથી સાવરકુંડલા, અમરેલી તરફ આવતા તમામ ભારે વાહનોએ ગાવડકા ચોકડી (એન.એચ)- થઈ વિઠ્ઠલપુર-ફતેપુર થઇ એન.એચ. રોડ તેમજ સાવરકુંડલાથી બગસરા તરફ જતા નાના વાહનોએ અમરેલી સિટીમાંથી પસાર થઇને જેસીંગપરા થઈ રાધેશ્યામ સર્કલથી બગસરા તથા બગસરા તરફથી સાવરકુંડલા, અમરેલી તરફ આવતા નાના વાહનોએ રાધેશ્યામ સર્કલથી જેસીંગપરા થઈ અમરેલી સિટીમાંથી પસાર થવા સુચના આપવામાં આવી હતી.
જોલાપરી નદી પરનો બ્રીજ જર્જરિત
તે ઉપરાંત રાજુલાના બાબરિયાધાર-અમુલી-અખેગઢ રોડ, જોલાપરી નદી પર આવેલા મેજર બ્રીજનો છઠ્ઠા સ્પાનનો સ્લેબ જર્જરિત હોવાથી આ બ્રીજ પરથી વાહનોના પરિવહન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો અને તમામ પ્રકારના વાહનોને વૈકલ્પિક રુટ પર વાહન વ્યવહાર કરવા સૂચન કરવામાં આવ્યું હતું. જાહેરનામા અનુસાર તમામ પ્રકારના વાહનોએ વૈકલ્પિક રુટ-૦૧ અનુસાર બાબરિયાધાર-મોટી ખેરાળી-છાપરી-ડોળીયા-માંડળ-મસુંદડા-અમુલી રોડ પરથી તેમજ વૈકલ્પિક રુટ-૦૨ મુજબ તમામ પ્રકારના વાહનોએ બાબરિયાધાર-નવાગામ (મેરીયાણા)-દાધીયા-હાડીડા-આસરાણા-અખેગઢ-અમુલી રોડ પરથી પસાર થવા સુચના આપવામાં આવી હતી. આ જાહેરનામાનો અમલ આગામી સમયમાં નવો બ્રીજ ન બને ત્યાં સુધી રહેશે.