ભ્રષ્ટાચારનો પર્દાફાશ: અમરેલીમાં ભાજપ નેતાએ જ સરકારને ભીંસમાં લીધી!

અમરેલી: જિલ્લામાં રોડ રસ્તા બનાવવાને લઈ થયેલા ભ્રષ્ટાચારની પોલ સ્થાનિક નેતાએ જ ખોલી હતી. અમરેલી ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હહિરપરાએ બિસ્માર રોડ વિશે સરકારને ફરિયાદ કરી હતી અને ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવ્યા હતા.
શું લખ્યું છે પત્રમાં
તેમણે પત્ર લખીને કહ્યું, અમરેલી જિલ્લામાં આવેલા નેશનલ હાઇવે અતિ ખરાબ હાલતમાં છે. આ જિલ્લામાં બનતા નવા ડામર રોડ કે રી-કાર્પેટ રોડમાં કાયમી ગુણવત્તાનો અભાવ રહ્યો છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર કાળી કમાણી કરીને પ્રજાને રોડ-રસ્તા બાબતે કાયમી પરેશાન કરે છે. અમરેલી જિલ્લામાં આવેલા સ્ટેટ હાઇવે અને જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગના નવા બનાત રોડ કે રી-કાર્પેટ ડામરના સેમ્પલ થર્ડ પાર્ટી કે ગેરી લેબમાં ફેઇલ થયા હોય તેવો કોઈ દાખલો બન્યો નથી.
આ પણ વાંચો: અમરેલીમાં કોંગ્રેસને ઝટકોઃ 100 કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો
શું છે સૌથી મોટું કૌભાંડ
વધુમાં તેમણે કહ્યું કે, ગેરંટી સમયમાં રહેલા રોડ કોન્ટ્રાક્ટરના ખર્ચે રિપેરિંગ થયા હોય તેવા દાખલાઓ જનતાની જાણમાં નથી. કોઈ એજન્સીને નબળા કામને લઈને દંડ થયો હોય અને વસુલાત થઈ હોય તેવા દાખલા નહિવત છે. કોઈની સામે પોલીસ ફરિયાદ થઈ હોય તેવા દાખલા પણ ધ્યાને આવતા નથી. અમરેલીમાં રેતીની લિઝ ન હોવા છતાં પણ સરકારી બાંધકામ બંધ રહ્યું નથી. ગેરકાયદે રેતીનો ઉપયોગ કરી બહારની રેતીના લીઝના પાસ રજૂ કરવામાં આવે છે, જે સૌથી મોટું કૌભાંડ છે.
જિલ્લાના આ રોડ બન્યા માથાનો દુખાવો
વર્તમાન સમયમાં નીચેના હાઇવે વાહન – ચાલકો માટે માથાનો દુખાવો સમાન બન્યો તો, સત્વરે પેચ કામ અને રી – કાર્પેટ થાય જેમાં રાજુલા થી સાવરકુંડલા સ્ટેટ હાઇવે, સાવરકુંડલા થી અમરેલી હાઈવે, સાવરકુંડલા થી નેસડી સુધી ચલાલા સ્ટેટ હાઈવે, અમરેલી થી બગસરા સ્ટેટ હાઇવે, ચલાલા થી બગસરા સ્ટેટ હાઈવે, અમરેલી થી બાબરા નેશનલ હાઈવે, બગસરા ના માણેકવાડા થી બીલખા રોડ અમરેલીની હદ સુધ ના તમામ રોડ રીપેરીંગ અને નવા બનાવવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી.