અમરેલીઃ ખાંભાના ભાડ ગામની યુવતીના આપઘાત કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો, સ્યુસાઈડ નોટ વાંચીને રડી પડશો...
અમરેલી

અમરેલીઃ ખાંભાના ભાડ ગામની યુવતીના આપઘાત કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો, સ્યુસાઈડ નોટ વાંચીને રડી પડશો…

અમરેલીઃ ખાંભામાં દેવું થઈ જતાં યુવતીએ દવાની ટીકડીઓ ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. યુવતીએ આત્મહત્યા પહેલાં પોતાનાં માતા-પિતાને સંબોધીને સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે પોતાના પર 28 લાખનું દેવું થઇ ગયું હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુવતી ટાસ્ક-બેઝ્ડ ફ્રોડનો શિકાર બની હતી અને વધુ વળતર મેળવવાની લાલચ તેને ભારે પડી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, ભૂમિકાને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલો દ્વારા અલગ-અલગ ટાસ્ક આપવામાં આવતા હતા. શરૂઆતમાં તેને નાના રોકાણ, જેમ કે 500 થી 7000 રૂપિયાના રોકાણનું વધુ વળતર આપવામાં આવ્યું હતું. જેથી વિશ્વાસ બેઠો હતો. જોકે, વધુ નફાની લાલચ આપીને એક VIP ગ્રુપમાં જોઈન્ટ કરાવવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં તેને 50 હજાર, એક લાખ, અને દોઢ લાખ રૂપિયા જેવી મોટી રકમોનું રોકાણ કરવાનું કહેવામાં આવ્યું. ઠગોએ ફેક એકાઉન્ટ બનાવીને આ રોકાણ પર મોટો નફો બતાવ્યો હતો. જ્યારે ભૂમિકા પોતાના રોકાણ કરેલા પૈસા પરત માંગતી હતી, ત્યારે ઠગબાજો તેને પૈસા પરત આપવા માટે વધુ પૈસા આપવાની માંગણી કરતા હતા. પોતાના અગાઉ રોકાણ કરેલા પૈસા પાછા મેળવવાના પ્રયાસમાં ભૂમિકા વધુને વધુ પૈસા આપતી ગઈ, જેના કારણે તે આર્થિક અને માનસિક રીતે ભાંગી પડી હતી.

ઓફિસમાં જ પીધી દવા
ભાડ ગામની 25 વર્ષીય યુવતી ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતી હતી. તેણે ઓફિસમાં જ અનાજમાં નાખવાની દવાની ટીકડીઓ ખાઇ લીધી હતી. તેની તબિયત લથડતાં પ્રથમ ખાંભા અને બાદમાં રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

શું લખ્યું છે સ્યુસાઈડ નોટમાં
યુવતીએ સ્યુસાઈડ નોટમાં લખ્યું કે, મમ્મી-પાપા, હું સ્યુસાઇડ કરું છું. મને તમારાથી કોઈ વાંધો નથી. મારા પર 28 લાખ રૂપિયાનું દેવું થયું છે, એટલે હું કરું છું… આ દેવું સહન નથી થતું, એટલે આ પગલું ભરું છું. હું બસ તમારા માટે એક સારી જિંદગીનું પ્લાનિંગ કરતી હતી, પણ બધું ઊંધું થઇ ગયું, મારા પર દેવું થઇ ગયું છે. મને માફ કરી દેજો, મારા લીધે તમે હેરાન થશો. મમ્મી… મારી છેલ્લી ઇચ્છા છે કે મારી બોડી ઘરે આવે ત્યારે એકવાર મને ગળે લગાડી લેજો. પોલીસે સ્યુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button