અમરેલીના સાવરકુંડલામાં નાના ઈશ્વરીયા ગામના બે યુવાનો પર સિંહણે હુમલો કર્યો

અમરેલી: જિલ્લામાં વન્યપ્રાણીઓની સંખ્યામાં વધારો થતાની સાથે જ માનવ જીવન પર હુમલાના બનાવ પણ વધવા પામ્યા છે. જેમાં ખાસ કરીને માલઢોર ચરાવતા માલધારીઓ ઉપર વન્યપ્રાણીઓના હુમલા યથાવત રહેવા પામ્યા છે. આવા જ એક બનાવમાં સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામ નજીક આવેલા નાના ઈશ્વરીયા ગામના બે યુવાનો પર સિંહણે હુમલો કર્યો હતો. જેથી તાત્કાલિક બંને યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગત પ્રમાણે, સાવરકુંડલા તાલુકાના નાના ઈશ્વરીયા ગામના બે યુવાન માલધારીઓ પોતાના માલઢોર ચરાવવા માટે સીમ વિસ્તારમાં ગયા હતા. ત્યારે બપોરના સમયે અચાનક જ એક સિંહણ શિકાર કરવાના હેતુથી ત્યાં ધસી આવી હતી. જેમાં પોતાના માલઢોરને બચાવવા માટે બંને યુવાનોએ હાકલા પડકારા કરતા સિંહણે ઓમગીરી ઈશ્વરગીરી ગોસ્વામી (ઉં.વ ૨૦) પર કેડના ભાગે અને પગના ભાગે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્યારે સાગર ભગવાનભાઈ દેંગડાને સામાન્ય ઈજા પહોંચાડી હતી.
સિંહણે ઓમગીરી ઈશ્વરગીરી ગોસ્વામીને ગંભીર ઈજા પહોંચાડતા ઓમગીરીને તાત્કાલિક વંડા અને ત્યારબાદ સાવરકુંડલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે વધુ સારવારની જરૂર હોવાથી ઓમગીરીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સાવરકુંડલા પંથકમાં વન્યપ્રાણીઓની રંજાડ દિન-પ્રતિદિન વધતી જતી હોવાથી માલધારીઓમાં ભયનો માહોલ છવાયો હતો. તેમજ વન વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા હતા.
તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે જુલાઇ 2025 સુધીમાં અમરેલી જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં 14 સિંહબાળ અને 17 સિંહોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં મલ્ટિપલ ઓર્ગન ફેકીયરને કારણે 5 સિંહબાળ અને 6 સિંહના મૃત્યુ થયા હતા. ન્યુમોનિયા એનીમિયા, એનોકસિયાના કારણે 5 સિંહબાળના મૃત્યુ તેમજ ન્યુમોનિયા એનીમિયા, એનોકસિયા અને સેપ્ટેસિમિયાનાં કારણે 4 સિંહોના મૃત્યુ થયા છે. શ્વસન, યકૃત અને મૂત્રપિંડની નિષ્ફળતાના કારણે 2 સિંહબાળ અને 4 સિંહના મૃત્યુ થયા હતા. કરોડરજ્જુમાં ઇજા પહોંચતા આઘાતથી તેમજ એનાપ્લાસમોસિસના કારણે 1-1 સિંહબાળનુ મૃત્યુ થયુ હોવાનુ સામે આવ્યું હતું.
આ પણ વાંચો…જંગલના રાજા સાથે ચેનચાળા: વીડિયો વાયરલ થતા સુરક્ષા મુદ્દે સવાલ