અમરેલીના પાણીચા ગામે સિંહે સાત વર્ષના બાળકનો શિકાર કર્યો

અમરેલીઃ જિલ્લામાં વધુ એક વખત જંગલી પ્રાણીનો આતંક સામે આવ્યો હતો. અમરેલીના પાણીયા ગામે સિંહે સાત વર્ષના બાળકનો શિકાર કર્યો હતો અને તેના શરીરીના ટુકડા કરી નાંખ્યા હતા. બાળકના મૃતદેહના સિંહે ટુકડા કરી નાંખ્યા હતા. જેને ભેગા કરતાં વનવિભાગ પણ થાકી ગયું હતું.
કેવી રીતે બની ઘટના
અમરેલી જિલ્લામાં અનેક પરપ્રાંતીયો રોજી રોટી રળવા મોસમ દરમિયાન આવે છે. પરંતુ ક્યારેક તેમની સાથે આજીવન ન ભૂલી શકાય તેવી ઘટના બને છે. અમરેલી તાલુકાના પાણીયા ગામમાં મધ્યપ્રદેશનો પરિવાર આવીને મજૂરી કામ કરતો હતો. આ પરિવારનો 7 વર્ષનો રાહુલ બારીયા નામનો બાળક અન્ય લોકો સાથે નદી કિનારે જતો હતો. આ સમયે અચાનક સિંહ રસ્તામાં આવી ચઢ્યો હતો અને લોકો કંઈ સમજે તે પહેલાં બાળકને ઝપટ મારીને બાવળની ઝાડીમાં લઈ ગયો હતો.
આ પણ વાંચો: ધારીમાં પાણી વાળતા ખેડૂત પર સિંહે હુમલો કર્યો, સીમમાં કામ કરતાં શ્રમિકોમાં ફફડાટ…
જે બાદ સિંહે તેના શરીરના ટુકડે ટુકડા કરી નાંખ્યા હતા. ઘટનાની જાણ થતાં વન વિભાગ પહોંચ્યું હતું અને બાળકના મૃતદેહ એકઠા કરીને અમરેલી સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. ઘટનાના પગલે ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
વન વિભાગની ટીમ દ્વારા માનવભક્ષી સિંહને પકડવા પાંજરુ મૂકવામાં આવ્યું હતું. જેમાં થોડીવારમાં સિંહ પુરાયો હતો. આ સિંહને લીલીયાના ક્રાંકચ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે, પરપ્રાંતિય શ્રમિકો ધોળા દિવસે નદીએ પાણી ભરવા જઈ રહ્યા હતા તે દરમિયાન સિંહે હુમલો કર્યો હતો અને બાળકને ખેંચીને લઈ ગયો હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સીમમાં કામ કરતાં લોકો પણ ફફડી ઉઠ્યા હતા.