અમરેલીના રાજુલામાં 2 કલાકમાં 6.02 ઈંચ વરસાદ, પૂરના પાણીની સ્થિતિમાં પ્રસૂતા માટે JCB બન્યું ‘દેવદૂત’

અમરેલી: રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ભાવનગર અને અમરેલી અષાઢી માહોલ જામ્યો છે. સવારે બે કલાકમાં જ અમરેલીના રાજુલામાં 6.02 ઇંચ વરસાદ પડી ગયો હતો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ તેમજ સુરત અને ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે.
સવારે બે કલાકમાં જ અમરેલીના રાજુલામાં 6.02 ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે મહુવામાં 3.23 ઇંચ, વલ્લભીપુરમાં 2.05 ઇંચ, સાવર કુંડલામાં 1.77 ઇંચ, લિલિયામાં 1.46 ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે રાજુલા સ્થિત ધાતરવાડી ડેમ-2માં પાણીની સપાટી ભયજનક સપાટીએ પહોંચતા તંત્ર દ્વારા ડેમના એકસાથે ૧૯ દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જેને કારણે ધાતરવાડી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે.
ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા ખાખબાઈ, હિંડોરણા, વડ, રામપરા, કોવાયા, ઉછેયા, ભેરાઇ અને ભચાદર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાખબાઈ ગામમાં તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
JCBની મદદથી મહિલાને હૉસ્પિટલ ખસેડાઈ
અમરેલી જિલ્લામાં મેઘરાજાના કહેર વચ્ચે એક હૃદયસ્પર્શી ઘટના પણ સામે આવી છે. રાજુલાના ચાંચબંદરથી પટવા જતાં માર્ગ પર આવેલા સમઢીયાળા બંધારા પર વરસાદના પાણી ફરી વળતાં રસ્તો બંધ થઈ ગયો હતો. આ દરમિયાન, એક પ્રસૂતા મહિલાને ડિલિવરી માટે હૉસ્પિટલ લઈ જવામાં મુશ્કેલી સર્જાઈ હતી અને તેમને અસહ્ય પીડા શરૂ થઈ હતી.
સ્થાનિકો અને તંત્રની મદદથી આ મહિલાને પૂરના ધસમસતા પાણી વચ્ચેથી JCBની મદદથી બહાર કાઢવામાં આવી અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રાજુલા હૉસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. સમયસર સારવાર મળતાં હૉસ્પિટલમાં મહિલાની સફળ ડિલિવરી થઈ છે અને તેમણે પુત્રને જન્મ આપ્યો છે. બંધારા પર પાણી ફરી વળવાના કારણે ચાંચબંદર જવાનો ગ્રામ્ય વિસ્તારનો માર્ગ હાલમાં બંધ છે.
આ પણ વાંચો…ગીર સોમનાથ તટે તોફાની દરિયામાં ઉનાની સૂરજ સલામતી બોટ ડૂબી, 8 માછીમારોનું રેસ્ક્યુ



