અમરેલી

અમરેલીઃ બગસરામાં 40 વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમના ચક્કરમાં હાથ અને પગ પર બ્લેડના કાપા માર્યા

અમરેલીઃ સુરતમાં થોડા દિવસ પહેલા માતાએ મોબાઇલ ફોન ન આપતાં વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઇ લીધો હતો. આ ઘટના બાદ અમરેલીના બગસરાના મોટા મુંજીયાસર ગામમાં 40 વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમના ચક્કરમાં હાથ પર બ્લેડના કાપા માર્યા હતા. વીડિયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂપિયા આપવાની વાત કહેતા 40 છાત્રોએ પોતાના હાથ પર પેન્સિલના શાર્પનરથી પોતાને ઘાયલ કરી લીધા હતા. શિક્ષકોએ આઠ દિવસ મામલો છુપાવ્યા બાદ આખરે હવે ઘટના પોલીસ સુધી પહોંચી હતી.

શું છે સમગ્ર મામલો

બગસરાના મોટા મુંજીયાસરની શાળામાં 300 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આસપાસનાં ગામોમાંથી પણ અહીં વિદ્યાર્થીઓ આવે છે. ધોરણ 7મા ભણતો એક વિદ્યાર્થીઓ બગસરાથી આવે છે. જેણે વીડિયો ગેમમાંથી પ્રેરણા લઇ પોતાના ધોરણના સાથી છાત્રોને જો બ્લેડથી તમારા હાથ પર ચરકા કરો તો તમને 10 રૂપિયા આપું અને ન કરો તો તમારે મને 5 રૂપિયા આપવાના તેવી વાત કરી હતી. જેના પગલે માસૂમ ભુલકાઓ પેન્સિલના શાર્પનરની બ્લેડ બહાર કાઢી હાથ પર ચરકા કરવા લાગ્યા હતા. બાદમાં તેમાં ધોરણ 5, 6, 7ના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. શાળાના 40 છાત્રોએ પોતાના હાથ પર શાર્પનરથી અનેક ચરકા કરી ખુદને ઘાયલ કરી લીધા હતા. આ વિદ્યાર્થીઓએ સ્વયં કાપા મારી જાતે ઇજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું હતું..

આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરવામાં આવતા બાળકોએ અમને શિક્ષકોએ કહેવાની ના પાડી છે એવું કહીને જવાબ ટાળ્યા હતા. જેથી માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા,જ્યાં પણ પ્રશ્નનો નિવારણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરવામાં આવી હતી. ઘટના અંગે ગામના સરપંચને જાણ થતાં તેમણે શિક્ષણ વિભાગ અને પોલીસને સમગ્ર મામલામાં ઊંડી તપાસ થાય તેવી અરજી કરી હતી. હાલ જિલ્લાના શિક્ષણ વિભાગમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલામાં શિક્ષણ વિભાગ સ્વતંત્ર રીતે પણ તપાસ કરશે અને વિદ્યાર્થીઓની ઈજા શાળા સમય દરમિયાન થઈ છે કે અન્ય પ્રકારે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. શાળામાં જેટલા શિક્ષકો છે તે તમામ શિક્ષકોની સાથે વિદ્યાર્થી અને શક્ય બને તો તેમના વાલીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. સમગ્ર ઈજાના મામલામાં કોણ સામેલ છે તે તપાસ બાદ કોઈ અંતિમ નિષ્કર્ષ મળી શકે તેમ છે, પરંતુ હાલ શિક્ષણ વિભાગ મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો: દેશમાં વિદ્યાર્થીઓની વધતી આત્મહત્યાથી Supreme Court ચિંતિત, રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરાઇ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button